વેપાર-ધંધા,ઉદ્યોગ અને રહેણી કરણીની દ્રષ્ટીએ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. ત્યારે ગુનાખોરીની બાબતમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દરરોજ રાજકોટમાંથી લુખ્ખાઓના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા 4 દિવસમાં લુખ્ખાગીરી અને મારામારીની 4 ઘટનાઓ સામે આવી જેણે શહેરભરમાં ચકચાર મચાવી છે ત્યારે શહેરમાં પોલીસની ધાક અને કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો.
રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા એવા કાલાવડ રોડ પર નકળંક ચા પાસે રાત્રિના સમયે મારામારીનો વીડિયો સામે આવ્યો. વીડિયોમાં એક યુવતી અને 2 શખ્સો એક યુવકને પાઇપ વડે માર મારી રહ્યા છે. સૂત્રો તરફથી ઘટનાની મળતી માહિતી મુજબ યુવકે યુવતીની છેડતી કરવા મુદ્દે આ યુવકને માર માર્યો અને આ યુવકે પણ પહેલા યુવતીને માર માર્યો હતો. પોલીસે આ ઘટનામાં વીડિયોમાં મારામારી કરી રહેલા તમામ લોકોની ધરપકડ કરી હતી.
અન્ય ઘટનાની વિગત જોઈએ તો શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા નાના મવા ચોકડી પર એક યુવક અને એક યુવતી અન્ય યુવકને લાકડી વડે માર મારી રહ્યા છે. આ ઘટનાનું કારણ સામે નથી આવી રહ્યું અને વાક કોઈનો પણ હોય માર મરનાર યુવક અને યુવતીએ કાયદો હાથમાં લીધો તે હકીકત છે.
આ ઘટના શહેરના યાજ્ઞિક રોડ પરની છે. જ્યાં 24 કલાક લોકોની અવર જવર રહે છે. એમાં પણ આ ઘટના ધોળા દિવસે બની છે. જેમાં એક યુવકને રોડ પર જાહેરમાં કેટલાક શખ્સો દ્વારા માર મારીને કારમાં ઉઠાવી લેવાયો હતો. લોનના રૂપિયાની ઉઘરાણીને લઈને આ લુખ્ખા તત્વોને કાયદો હાથમાં લીધો હતો. જો કે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નહોતી નોંધાઈ.
ત્યારે ચોથા દિવસમાં આ ચોથી ઘટના સામે આવી જેમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવ્યા, મોટામવા વિસ્તાર સરિતા વિહાર સોસાયટી પાસે બ્રીજ પર સામસામે કેટલાક શખ્સો મારા મારી કરતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં ચુડાસમા પરિવારની વેલ આગમન વિધિ બની આકર્ષણનું કેન્દ્ર- કારણ જાણીને આપ પણ ચોંકી જશો- જુઓ તસ્વીરો
છેલ્લા 4 દિવસમાં સામે આવેલી આ ઘટનાઓએ પોલીસની કામગીરી અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ચોક્કસથી ઉઠાવ્યા છે. ત્યારે રાજકોટ પોલીસે કડક કાર્યવાહી કરીને આ અસમાજિક તત્વોને બાનમાં લેવા જરૂરી છે નહિતર આવા લુખ્ખા તત્વો રાજકોટ શહેરને બાનમાં લઈ લેશે તે વાત ચોક્કસ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:18 pm, Wed, 13 December 23