રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર કંચન સિદ્ધપુરાના નામની જાહેરાત કરાઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પહેલા મળેલી ભાજપની સંકલનની બેઠકમાં ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી. જે બાદ મેયર પ્રદિપ ડવે જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત રજૂ કરી હતી જેને તમામ સભ્યોએે ટેકો આપ્યો હતો અને કંચનબેનના નામની વિધીવત જાહેરાત કરવામાં આવી હતી.
ડેપ્યુટી મેયર તરીકે પોતાના નામની જાહેરાત થયા બાદ કંચન સિદ્ધપુરાએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મારા કામની કદર કરી છે. હું રાજકોટ મહાનગરપાલિકાના તમામ શાસકો સાથે મળીને શહેરના જે પણ પ્રશ્નો હશે તેને હલ કરવાના પ્રયત્ન કરીશ. હાલ ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પાણીના પ્રશ્ને નિરાકરણ લવાશે તેવો દાવો કર્યો હતો.
#Rajkot: Ward no. 16 corporator Kanchanben Sidpara appointed as the new Dy. Mayor for next 6 months #Gujarat #TV9News pic.twitter.com/WQZfYH2djp
— Tv9 Gujarati (@tv9gujarati) March 20, 2023
રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ હોય છે. ચાલુ ટર્મ પુરા થવામાં 6 મહિનાની મુદ્દત બાકી છે તે પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહે ડેપ્યુટી મેયર પદેથી રાજીનામૂં આપતા આ જગ્યા ખાલી થઇ હતી. જેથી બીપીએમસી એક્ટ પ્રમાણે આ નિમણૂક કરાઇ હતી. જો કે 6 મહિના બાદ ફરી નવી નિમણૂક થઇ શકે છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ દાવો કર્યો હતો કે આ નિર્ણય ભાજપનું મવડી મંડળ લેતું હોય છે. પક્ષ એક જવાબદારી પૂરી થાય પછી બીજી જવાબદારી પણ આપતા હોય છે.