રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ દ્વારા છેતરપિંડીના ગુનામાં કાર્યવાહી કરવાને બદલે વહિવટ કર્યા હોવાનો આક્ષેપ કર્યા બાદ રાજ્યભરના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.ગોવિંદ પટેલે આ અંગે ગૃહમંત્રીને રજૂઆત કરી છે. એક તરફ આઇપીએસ અધિકારીઓની બદલી ગણતરીની દિવસોમાં આવી રહી છે બીજી તરફ બદલીના ગણતરીના દિવસો પહેલા જે રીતે લેટરબોમ્બ આવ્યો છે તેનાથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે.
ગોવિંદ પટેલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને પણ રજુઆત કરી કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે. આમ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર પર તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો છે કે એક અરજદાર પાસેથી 75 લાખ રૂપિયા પણ વસૂલવામાં આવ્યા છે અને હજુ 30 લાખની વસૂલી કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુડબુકમાં હતા.જેનાથી રાજકોટના એક જુથને મનોજ અગ્રવાલ મહત્વ ન આપતા હોવાનો સૂર ગાંધીનગર સુઘી ઉઠ્યો હતો.વિજય રૂપાણીના નજીકના ગણાતા સ્થાનિક નેતાઓનું પોલીસ વિભાગમાં વર્ચસ્વ ઉડીને આંખે વળગે તેવું હતું.સત્તા બદલાય મુખ્યમંત્રી બદલાયા બાદ રૂપાણીની સામેનું જુથ મેદાને જોવા મળ્યું અને તેઓ પોલીસ કમિશનરની ફરિયાદો કરવા લાગ્યા.ભૂતકાળમાં જે કામો ન થયાં હતા અથવા તો જે કામોમાં કથિત રૂપિયાની માંગ થઇ હતી તેવા કેસો ખોલીને નિશાન સાધવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
રાજકીય સૂત્રોનું માનીએ તો ગોવિંદ પટેલ એક શિસ્તબધ્ધ નેતા છે.તેઓ ક્યારેય પાર્ટી વિરુધ્ધ જાહેરમાં નિવેદનો કરતા નથી કે તેઓ કોઇ પર વ્યક્તિગત આક્ષેપ કરતા નથી.તેવામાં અઢી મહિના જુના કેસને લઇને ગોવિંદ પટેલે કરેલા આક્ષેપો ખૂબ જ સૂચક માનવામાં આવે છે.ટૂંક સમયમાં આઇપીએસ અને પોલીસ અધિકારીઓની બદલી આવી રહી છે તેવામાં વિજય રૂપાણીના ખાસ ગણતા મનોજ અગ્રવાલને જો સાઇડ પોસ્ટીંગ આપવું હોય તો કોઇ કારણ જરૂરી છે કારણ કે મનોજ અગ્રવાલ પોતે પણ સિનિયર ઓફિસર છે અને વર્ષોથી તેઓને સરકાર અને સિસ્ટમનો અનુભવ છે જેથી આ રાજકીય એન્કાઉન્ટર હોય તેવું વધારે લાગી રહ્યું છે…
આમ તો આ મામલો ગત માર્ચ મહિનાથી ચાલતો હતો.પોલીસની દખલગિરીથી ૭ કરોડ રૂપિયા અરજદારને મળી પણ ચૂક્યા હતા.જો કે ત્યારબાદના રૂપિયા અને કાર્યવાહી માટે અઢી મહિના પહેલા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.ગૃહમંત્રીને રજૂઆત કર્યા બાદ કાર્યવાહી થઇ તો રહી રહીને ગોવિંદ પટેલ કેમ સામે આવ્યા તે એક મોટો સવાલ હતો.ગોવિંદ પટેલને પોલીસ કમિશનર પર થયેલા આક્ષેપો રાજકીય છે કે કેમ તેવો સવાલ કરતા તેમણે કહ્યું હતું કે કોઇ રાજકીય આક્ષેપો નથી.અરજદારની જે રજૂઆત હતી તેનો જ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણી અને સી આર પાટીલની કોલ્ડવોર અનેકવાર સામે આવી છે.પૂર્વ સીએમ સાથે ઘરોબો ધરાવતા મનોજ અગ્રવાલ પૂર્વ સીએમ સાથે અંતર રાખતા હોય તેવો ગણગણાટ પણ રાજકોટમાં શરૂ થયો છે.થોડા સમય પહેલા કાઠિયાવાડ બાલાશ્રમમાં એક કાર્યક્રમમાં વિજય રૂપાણી અને સીપી મનોજ અગ્રવાલ સાથે હાજર રહેવાના હતા પરંતુ મનોજ અગ્રવાલ કાર્યક્રમમાંથી પૂર્વ સીએમ રવાના થયા બાદ હાજર રહીને સ્ટેજ કાર્યક્રમમાં સૂચક ગેરહાજરી આપી હતી.કદાચ પ્રદેશ કક્ષાએ મનોજ અગ્રવાલ કોઇ સંદેશો આપવા માંગતા હતા.
આ પણ વાંચોઃ ભાજપ ધારાસભ્ય ગોવિંદ પટેલનો લેટર બોમ્બ, પોલીસ કમિશનર પર ગંભીર આરોપ, જાણો શું લખ્યું છે પત્રમાં
આ પણ વાંચોઃ Rajkot: સિલિન્ડર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત, અન્ય બે હજુ પણ સારવાર હેઠળ