રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા, લોધિકામાં 18 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

|

Sep 13, 2021 | 9:03 PM

Rain in Rajkot : પાછલા 12 કલાકમાં લોધિકામાં 18 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે...ગોંડલનું કોલીથડ, લોધિકાનું ચીભડા ગામ અને દેવગામ બેટમાં ફેરવાયું છે.

RAJKOT : રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા થયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઇ છે…ભારે વરસાદને પગલે રાજકોટમાં 1 હજાર કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો 15 કરતા વધુ લોકોને એરલિફ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિને પગલે 4 લોકોના મોત થયા છે.સ્થિતિ વધુ બગડતા NDRF અને SDRFની ટીમની પણ મદદ લેવામાં આવી છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારની પણ હાલત પાણી પાણી છે.પાછલા 12 કલાકમાં લોધિકામાં 18 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે…ગોંડલનું કોલીથડ, લોધિકાનું ચીભડા ગામ અને દેવગામ બેટમાં ફેરવાયું છે. મોજ નદીના પાણી પણ ગામમાં ઘુસ્યાના સમાચાર છે, તો સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની સૌથી વધુ આવક નોંધાઇ છે.સાથે જ ન્યારી ડેમ પણ છલકાયો છે..આ સિવાય રાજકોટ પંથકના તમામ જળાશયોનું જળસ્તર ઉપર આવી રહ્યું છે.હજી પણ 48 કલાક ભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્રએ લોકોને સાવચેત રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. મેઘાની ધમાકેદાર બેટિંગને પગલે રાજકોટ શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા છે.પોપટપરાથી માંડીને રૈયા રોડ સુધીના તમામ વિસ્તારો જળમગ્ન બન્યા છે. અને આ તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 150 ફૂટ રિંગ રોડથી માંડીને અન્ય તમામ વિસ્તારોની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા છે.

રેસકોર્સ નજીક આવેલી પીડબલ્યુડી સરકારી આવાસના મકાનોમાં પાણી ઘુસ્યા, સાથે જ અનેક વિસ્તારોમાં લોકોના વાહનો પાણીમાં ગરકાવ થયા છે.આમ રાજકોટમાં મેઘ તાંડવને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.આ સ્થિતિમાં જિલ્લા કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કમિશનરને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો : Rain in Saurashtra : રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના આ મોટા ડેમ છલકાયા

Next Video