Groundnut Oil Price : જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં 50થી 60 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવ 15 કિલોના 3000થી 3200 રૂપિયા જ્યારે 15 લીટરના 3060થી 3100 રૂપિયા સુધી પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં લોકો મોટા પ્રમાણમાં ખાદ્યતેલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે. વેપારીઓનું માનવું છે કે જન્માષ્ટમી પર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે.
રાજકોટ સિંગતેલના વેપારી ભાવેશ પોપટના કહેવા પ્રમાણે સિંગતેલમાં હાલમાં ઓછી ડિમાન્ડ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણથી ઉઘાડ નીકળતા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક થઇ છે. જ્યારે સંગ્રહકર્તાઓ દ્વારા પણ મગફળી વેચાણ માટે બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. વેપારીઓનું માનવું છે કે હાલમાં ઘરાકી ન હોવાને કારણે સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ ઓછા છે. હાલમાં પામોલિન તેલ, સોયાબિન તેલ, કપાસિયા તેલ 1400થી લઇને 1600 રૂપિયે ડબ્બો મળી રહ્યો છે.
આ તરફ સિંગદાણાના વેપારીઓ પણ માની રહ્યા છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું 26થી 27 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થઇ શકે છે. તાજેતરમાં રાજકોટમાં ભારતભરના સિંગદાણાના વેપારીઓ અને બ્રોકરોની એક કોન્ફરન્સ મળી હતી. જેમાં આ અંદાજ લગાડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સિંગદાણાની વિશ્વભરમાં ડિમાન્ડ હોય છે. જો કે, સારા અને સમયસર વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઇ શકે છે. તેથી આગામી દિવસોમાં સિંગતેલના ભાવ 200થી 300 રૂપિયા ઘટી શકે છે. સિંગતેલના ભાવ ફરી 2500થી 2700ની સપાટીએ આવી શકે છે.