રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો
ધોરાજી : રખડતા ઢોરનો પ્રશ્ન
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:44 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે.

ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. ધોરાજીમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. ધોરાજીનો ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય કે સ્ટેશન રોડ આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. રખડતા આખલાઓ રસ્તા વચ્ચે વારંવાર યુદ્ધ કરતા હોય છે. અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાનો ભોગ પણ બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષની સત્તા આવી છે. પરંતુ બંને પક્ષમાંથી કોઈપણ પક્ષના સતાધીશોએ લોકોને આખલાના ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી.

હાલ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને રખડતા પશુ અને આખલાના ત્રાસમાંથી પ્રજાને મુક્તિ અપાવવા માટે ખુદ કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય દિલીપ જાગાનીએ લેખિત અરજી પણ કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખુદ કોંગ્રેસના પાલિકા સદસ્યના આક્ષેપ છે કે કોંગ્રેસ શાસિત પાલિકામાં દરેક કામો માત્ર કાગળ પર જ થાય છે. રખડતા આખલાઓને કારણે પ્રજા ત્રહીધામ પોકારી ઉઠી છે. ત્યારે કોંગ્રેસના સતાધીશો આ બાબતે ભેદી મૌન સેવી રહ્યા છે.

ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ સહિત પાલિકા પર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કે કોંગ્રેસના સતાધીશો માત્રને માત્ર વિકાસના કામોની વાતો કરે છે. પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી અને આજ દિવસ સુધી નગરપાલિકાએ રસ્તે રખડતા પશુ અને આખલાને પકડવા કોઈ કામગીરી કરી નથી. લોકો માટે માથાના દુઃખાવા સમાન બનેલ આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરેલ નથી.