Rajkot સામાન્ય રીતે કોઈ વ્યક્તિને માતૃભાષા ગુજરાતી આવડતી હોય, હિન્દી આવડતી હોય અને કેટલાક લોકોને અંગ્રેજી પર પ્રભુત્વ હોય છે. જ્યારે અમુક લોકોને સંસ્કૃત પણ આવડતી હોય. એટલે કે વધીને સામાન્ય માણસને 3 થી 4 ભાષા આવડતી હોય. પરંતુ આપણે આજે એક એવા યુવાનની વાત કરીએ છીએ જેણે 3-4 નહિ પરંતુ 10 ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે અને એમાં પણ 6 વિદેશી ભાષામાં માસ્ટર બન્યો છે અને આ તમામ ભાષાઓ તે કડકડાટ બોલી,લખી અને વાચી શકે છે.
આ યુવાનનું નામ છે રાજમાન નકુમ.20 વર્ષીય આ યુવાન આણંદ વિદ્યાનગર ખાતે બી ટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે રશિયન,સ્પેનિશ,પોર્ટુગીઝ,ફ્રેન્ચ,ઇટાલિયન,જર્મન,ઇંગ્લિશ, હિન્દી સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે.આ દશેય ભાષાઓ રાજમાન લખી,બોલી અને વાચી શકે છે.રાજમાને 9માં ધોરણથી અલગ અલગ ભાષાઓ શીખવાનું નક્કી કર્યું અને હાલ 10 ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું છે.
રાજમાનના પિતાની ઈચ્છા છે કે રાજમાન બિઝનેસમાં આગળ વધે અને અલગ અલગ દેશમાં તેનો બિઝનેસ આગળ વધારે.જેથી તેણે ત્યાંના લોકો સાથે કોમ્યુનિકેશન કરવું પડશે અને જો તે કોમ્યુનિકેશન તે દેશની ભાષામાં કરશે તો તેને ડીલમાં ખુબ જ ફાયદો થશે.પિતાની આ વાતને મન પર લઈ રાજમાને અલગ અલગ દેશની ભાષા શિખવાનું નક્કી કર્યું અને આજે 10 ભાષા પર પ્રભુત્વ ધરાવે છે અને હજુ પણ આગળ ચાઇના સહિત અન્ય દેશોની ભાષા શીખવા માગે છે.
જે વ્યક્તિને ત્રણથી વધુ ભાષા આવડતી હોય તેને “પોલીગ્લોટ” કહેવામાં આવે છે અને જેમને 6 થી વધુ ભાષા આવડતી હોય તેને “હાઇપર પોલીગ્લોટ” કહેવામાં આવે છે.વિશ્વમાં આવા માત્ર 1200 જેટલા જ લોકો છે જેઓ હાયપર પોલીગ્લોટ છે.આવનારા સમયમાં રાજમાન ઇસ્તંબુલ ખાતે આવેલી ભાષાઓ અંગેની ખાસ સંસ્થામાં પણ પોતાની નોંધ કરાવવા જઈ રહ્યો છે.
રાજમાનના પિતા કપિલ નકુમ રાજકોટ ખાતે CID ક્રાઈમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તો તેમના મમ્મી હાઉસવાઈફ છે.રાજમાને જણાવ્યું હતું કે તેમના પિતા અને માતાનો તેને ખૂબ જ સપોર્ટ રહ્યો છે જેથી તે અહીંયા સુધી પહોંચી શક્યો છે.
Published On - 8:40 pm, Fri, 26 May 23