રાજવી પરિવારની વારસાઇ મિલકતના વિવાદમાં માંધાતાસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે. ભત્રીજાએ વારસાઇ મિલકતમાં કરેલી માંગ ગેરવ્યાજબી અને પાયાવિહોણી હોવાનો માંધાતાસિંહે દાવો કર્યો છે. પ્રહલાદસિંહજીને તેની હયાતીમાં પ્રદ્યુમનસિંહને હિસ્સો આપ્યાનો દાવો કર્યો છે.
રાજકોટના રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પત્રકાર પરિષદમાં જે કંઈ પણ જેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી. અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.
માંધાતાસિંહજીએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી. અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પુર્વજ, રાજકોટના પુર્વ ઠાકોર સાહેબ મર્હુમ પ્રદ્યુમનસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે. અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.
મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ. પ્રહલાદસિંહજી જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ. ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી જાડેજાએ પોતે જ આપી દીધી હતી. એમના પૂત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહજીના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી.
આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો રાજકોટની પ્રજામાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે કોઈ મુદ્દો જ અસ્તિત્વમાં નથી.
આ પહેલા રણશૂરવીરસિંહ જાડેજાએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રણસુરવીરસિંહે સીધો આરોપ લગાવ્યો છે કે, ડેપ્યુટી કલેક્ટર ડોબરીયા, એ.ટી.પટેલ અને સિદ્ધાર્થ ગઢવી નામના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને તેઓને હકથી વંચિત રાખ્યા હતા. એટલું જ નહીં પરંતુ મામલતદાર કચેરીના કે. જે જાડેજાએ 2016માં 10 કરોડ માંગ્યાનો રણશૂરવીરસિંહે મોટો આરોપ લગાવ્યો.
Published On - 12:15 pm, Sat, 4 September 21