Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Rain) વિરામ લીધો છે, પરંતુ કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. તો કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે.
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 23 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના કેશોદમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના પલસાણમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ માત્ર 10.56 mm વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જોકે, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. કચ્છના એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના જીલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડ્યો નથી.
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ સહિતના વિસ્તારોમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ઘોઘંબા તાલુકાના પૂર્વ પટ્ટાના ગામોમાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. કાંટુ, ગજાપુરા, મૂળાની કાપડી, ગોરાડા સહિતના ગામોમાં સવારથી મેઘરાજાનું ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સાથે આગમન થું છે. મેઘરાજાના ધમાકેદાર આગમનથી ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ શાનદાર બેટિંગ કરતાં રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 112 ટકા વરસાદ વરસ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 68.45 ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં 50.74 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 41.44 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હાલમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના 20થી વધુ જીલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 17 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો