
પોરબંદરના (Porbandar) ખાપટ ગામમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી (Natural farming) પર ખેડૂતો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક ખેતી પર યોજાયેલ પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય એ ખાસ હાજરી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સેમિનારમાં પ્રાકૃતિક ખેતી કરતા અને આધુનિક ખેતી કરતા ખેડૂતો (Farmer) સાથે રાજ્યપાલે સંવાદ કરી આવનાર દિવસો અને ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી પર પડી રહી છે તેથી કુદરતી રીતે અને ગાયના ગોબર અને ગોમૂત્રમાંથી વધુ સારી ઉપજ મળી શકે તેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવા સલાહ આપી. ગુજરાતને મોડેલ બનાવવા તરફ આગળ વધવા જણાવ્યું હતું.
જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. દેશના ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે.
વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહ્વાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ કરવા ગુજરાત રાજ્યએ પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પૂર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો.
રાજ્યપાલે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે. જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે.