ભારતીય તટરક્ષક દળનું(Indian Coast Guard) જહાજ ‘અંકિત’ અરબ સમુદ્રમાં(Arebian Sea) ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની (Pakistani) માછીમારી બોટ (PFB) યાસીન પકડી પાડવામાંઆવી હતી અને તેમાંથી 10 પાકિસ્તાની ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. 08 જાન્યુઆરી 2022ના રોજ મધ્યરાત્રીએ ભારતીય જળસીમામાંથી આ બોટ પકડવામાં આવી હતી.
કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સંતોષકારક જવાબ ના મળતા ICG જહાજે તેમની ધરપકડ કરી હતી. ICGનું જહાજ જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે શરૂઆતમાં ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ICGના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું અને તેને પકડી લેવામાં આવી હતી.
કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.
બે દિવસમાં બીજી પાકિસ્તાનની બોટ પકડાઈ છે. આ પહેલા પણ શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSFએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી. આ અંગે ન્યુઝ મીડિયાને વાત કરતા બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સ કન્સાઈનમેન્ટ લઈ જવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવે છે અને દવાઓની સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં પંજાબમાં પાકિસ્તાનના ઘણા ડ્રોન પકડાયા છે.
આ પણ વાંચો : અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી
આ પણ વાંચો : વડોદરામાં પતંગરસિકોની બજારમાં ભીડ ઉમટી, કોરોના નિયમોનું ઉલ્લંઘન
Published On - 8:49 pm, Sun, 9 January 22