પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા
સામાન્ય પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા રાજ્યના મોટાભાગના સ્થળો પર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ સહિતના શહેરોમાં પેટ્રોલના ભાવી સેન્ચ્યુરી વાગી ગઈ છે. અમદાવાદમાં પેટ્રોલ 100.08 રૂપિયે પ્રતિલીટર મળતું થઈ ગયું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ છેલ્લા ઘણા સમયથી 97થી 98 વચ્ચે રહેવાના કારણે લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવા સમયે શહેરમાં હવે પેટ્રોલના ભાવ 100ના જાદુઇ આંકડાને પાર કરી ગયા છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવની સાથે ગેસ સિલિન્ડરના ભાવ પણ તેજ ગતિથી વધી રહ્યા છે. રાંધણ ગેસના બાટલાના ભાવમાં 15 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસના બાટલાનો ભાવ વધીને 891.5 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 3 મહિનામાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 90 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જુલાઇ બાદ રાંધણગેસની કિંમતમાં ચોથી વખત વધારો કરાયો છે. જુલાઈમાં દરેક સિલિન્ડર પર 25.5 રૂપિયા વધારાયા હતા. તેના પછી 17 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે 25-25 રૂપિયા વધારાયા હતા. જુલાઇથી અત્યાર સુધી 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ 90 રૂપિયા વધી ચૂક્યો છે. ભાવવધારાથી પાંચ કિલોના સિલિન્ડરનો ભાવ 502 રૂપિયા થઈ ગયો છે. સરકારે એલપીજીના ભાવમાં વધારો કરી મોટા ભાગનાં શહેરોમાં એલપીજી પર સબસિડીનો અંત લાવી દીધો છે.
સીએનજી ગેસના ભાવમાં પણ વધારો
નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ,, હવે રાજ્યમાં અદાણી અને ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંકવાનું શરૂ કરી દીધુ છે. અદાણી ગેસે સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકતા સીએનજી કિલોદીઠ 59.86 રૂપિયા થઈ ગયો છે. છેલ્લે અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિ કિલોદીઠ 56.30 રૂપિયા હતો. પરંતુ તે આજે તે ભાવ વધીને 59.86 રૂપિયા થયો છે. મતલબ એક સપ્તાહમાં 3.56 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. 1.60 MMBTU સુધી વપરાશ હશે તો 991.20 રૂપિયા ભાવ રહેશે. જે 154 રૂપિયાનો વધારો સૂચવે છે. પરંતુ જો 1.60 MMBTU કરતા વપરાશ વધુ હશે તો 1189.44નો ભાવ લાગુ પડશે. જે 184.80 રૂપિયાનો વધારો સૂચવે છે. અદાણીની પાછળ પાછળ ગુજરાત ગેસે પણ CNG ભાવમાં 2.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNG ભાવ 54.45 રૂપિયા હતો. તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા ટેક્સ સાથે 58.10 રૂપિયા ભાવ થયો છે.
Published On - 11:59 am, Thu, 7 October 21