પાટણમાં સારો વરસાદ (Patan Rain) વરસી રહ્યો છે. જિલ્લાના સાત તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો(Farmers) પણ હવે ખેતીકામમાં જોતરાઈ ગયા છે. પાટણ શહેરમાં ગત રાત્રે એક કલાકમાં અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જિલ્લાના 7 તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ પડી ગયો છે. જેમા સાંતલપુર(Santalpur) તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાણસ્મામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. સરસ્વતિ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ તરફ સમી તાલુકામાં બે દિવસમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. સિદ્ધપુર તાલુકામાં બે દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે રાધનપુર તાલુકામાં બે દિવસમાં 8.5 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.
જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. સાત તાલુકાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. જેમા ચાણસ્મા તાલુકામાં 56 હેક્ટરમાં બાજરી, 354 હેક્ટરમાં મગ, 4 હજાર 784 હેક્ટરમાં અડદ, 40 હેક્ટરમાં તલ, અને 4 હજાર 670 હેક્ટરમાં કપાસ અને 3 હજાર 600 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યુ છે. તાલુકામાં કુલ 14 હજાર 4 હેક્ટરમાં વાવેતર કર્યુ છે. આ તરફ હારીજમાં કુલ 12 હજાર 615 હેક્ટરમાં, બાજરી, અડદ, મગફળી, તલ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. તો પાટણમાં ખેડૂતોએ 10 હજાર 625 હેક્ટરમાં વાવેતર કર્યુ છે જેમા મુખ્યત્વે કપાસ, અડદ, બાજરી, અને શાકભાજી મુખ્ય છે. જ્યારે રાધનપુર તાલુકામાં કુલ 11,650 હેક્ટરમાં વાવેતરમાં કરવામાં આવ્યુ છે. જેમા 3 હજાર 640 હેક્ટરમાં અડદ, 1100 હેક્ટરમાં કપાસ અને 840 હેક્ટરમાં શાકભાજી તેમજ 4 હજાર 780 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યુ છે.. જિલ્લામાં હારીજ, ચાણસ્મા, પાટણ, રાધનપુર, સમી, સાંતલપુર, સરસ્વતિ, શંખેશ્વર અને સિદ્ધપુર સહિતના તાલુકા મળીને કુલ 96 હજાર 198 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યુ છે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Published On - 5:03 pm, Thu, 14 July 22