
21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ. આજે રાજયભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થઇ રહી છે. હજુ તો થોડા જ સમય પહેલા સરકારે પણ તમામ સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ ગુજરાતીમાં દિશાનિર્દેશ મૂકવાનો ફરજિયાત પરીપત્ર જાહેર કર્યો છે. જો કે નિરાશાજનક વાત એ છે કે ગુજરાતી વ્યાકરણનો પાયો ઘડનાર જૈનમુની હેમચંદ્વરાચાર્યજીના નામથી જોડાયેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી જ ગુજરાતી ભાષા ભવનથી વંચિત છે. સરકારમાં છેલ્લા 12 વર્ષથી અનેક રજૂઆતો બાદ પણ માતૃભાષા ભવન નથી મળ્યું.
રાજ્યમાં માતૃભાષાનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકાર દર વર્ષે માતૃભાષા દિવસ પહેલા મોટી મોટી વાતો કરે છે અને માતૃભાષા દિવસની ઉજવણી પણ ઠેર ઠેર કરે છે. હજુ તો થોડા જ કલાકો પહેલા ગુજરાતની સરકારે ગતવર્ષે માતૃભાષા દિવસના એક દિવસ પૂર્વે જ પરીપત્ર જાહેર કર્યો હતો. રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ ગુજરાતીમાં દિશાનિર્દેશ મૂકવા પડશે અને માતૃભાષાનું જતન કરવું પડશે. જો કે બીજી તરફ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ ભાષા ભવનની માગ પુરી કરવામાં આવતી નથી.
ગુજરાતી વ્યાકરણનો પાયો જૈનમુની હેમચંદ્રાચાર્યજીએ ઘડ્યો હતો. રાજા સિધ્ધરાજ જયસિંહે જૈનમુની હેમચંદ્રાચાર્યજી પાસે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરાવ્યુ હતુ. જો કે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા આજદીન સુઘી ગુજરાતી ભાષાભવન માટે કરેલી રજૂઆતોને ધ્યાન પર લેવામાં આવતી નથી. હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં વિઘાર્થીઓને ગુજરાતી ભાષાનો અભ્યાસ આપવામા આવે છે, પરંતુ ગુજરાતી ભાષાના ઉચ્ચ અભ્યાસ માટે જરુરી ભાષાભવન ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડતી હોય છે, તેથી જ વિઘાર્થીઓ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં જ ગુજરાતી ભાષાભવન બને તેવી માગ કરી રહ્યા છે.
એવું નથી કે ગુજરાત સરકારના નેતાઓ અને મંત્રીઓના કાને કે ઘ્યાને આ વાત નથી કે જે જૈનમુનીએ ગુજરાતી ભાષાના વ્યાકરણનો પાયો નાખ્યો છે, તે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા જ ગુજરાતી ભાષાભવન નથી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીથી લઇને આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલે કે તેમના પાટણ પ્રવાસ સમયે જ તેમને પાટણની રાણીની વાવ નિહાળી અને પાટણના ઇતિહાસથી રુબરુ પણ થયા હતા. તેમ છતાંય છેલ્લા 12 વર્ષથી વધુનો સમય વિતવા છતાંય યુનિવર્સિટી ભાષાભવનથી વંચિત છે.