પાટણના નશા મુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે નશા મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ખૂબ જ ક્રૂરતાપૂર્વક અને માનવતાને શરમાવે તેવુ કૃત્ય આચર્યું હતું. એટલુ જ નહીં સંચાલક સહિત 7 લોકોએ યુવકની હત્યા કરીને પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્રીજી આંખે યુવકના મોતના રહસ્યનું સત્ય સામે લાવી દીધું છે અને આખરે હત્યારાઓ સામે આવી ગયા છે.
પાટણમાં 21 દિવસ પહેલા થયેલા યુવકના મોત મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે. 17 ફેબ્રુઆરી 2023ના રોજ પાટણના સરદાર કોમ્પલેક્સમાં ચાલતા જ્યોના નશામુકિત કેન્દ્રમાં મહેસાણાના મોટીદાઉ ગામનો 25 વર્ષિય હાર્દિક રમેશ સુથાર નામના યુવકનુ મોત થયું હતું. યુવક નશામુકિત કેન્દ્રમાં સારવાર લઇ રહ્યો હતો તે દરમિયાન નશામુકિત કેન્દ્રમાં યુવકનુ મોત નીપજ્યું હતુ અને સંચાલકે યુવકનું કુદરતી મોત નીપજ્યું હોવાનું યુવકના પરીવારને જણાવીને યુવકના મૃતદેહને પરીવારને સોંપ્યો હતો. પરિવારે યુવકની અંતિમવિધિ પણ કરી દીધી હતી.
જો કે. નશામુકિત કેન્દ્રમાં યુવકના મોત મામલે પાટણ B ડિવીઝન પોલીસને ચોંકીવનારી માહિતી સૂત્રો દ્વારા મળી છે. જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે ખાનગી રીતે યુવકના મોત મામલે તપાસ શરુ કરી હતી અને કેટલાક લોકોની ખાનગી પુછપરછ પણ કરી હતી. B ડિવીઝન પોલીસની ટીમ અને PI એમ એ પટેલે સંસ્થામાં લાગેલા CCTV ફૂટેજ ચકાસ્યા હતા. જે પછી યુવકના મોત પરથી રહસ્યનો પડદો ખૂલ્યો હતો.
CCTV ચકાસતા યુવકનું કુદરતી મોત નહિ પરંતુ તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. યુવકને ઢોર માર મારીને પણ સંતોષ ન થતાં સંચાલકોએ યુવકના ગુપ્તાંગના ભાગને સળગાવ્યો હતો. પ્લાસ્ટિકને સળગાવીને તેના સળગતા ટીંપા દ્વારા યુવકનું ગુપ્તાંગ સળગાવવામાં આવ્યું હતું. પૂછપરછમાં જ્યારે આરોપીઓએ આ કબૂલાત કરી તો ખુદ તપાસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. તેના આધારે પોલીસે 7માંથી 6 આરોપીને ઝડપી પાડ્યા છે.
(વિથ ઇનપુટ-સુનિલ પટેલ, પાટણ)