
પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ સામે આવ્યું છે. આ જાસૂસી ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોને પકડી પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે.
ગોધરા કલેક્ટરે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ એક શખ્સને પકડ્યો, તેમજ જિલ્લા LCBએ 3 શખ્સોને પકડ્યા છે. આમ કુલ 5 લોકોની અટકાયત કરી લેવાઇ છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગેરકાયદે પ્રવૃતિ કરનારા લોકોએ સરકારી અધિકારીઓ પર નજર રાખવા એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું હતું અને માહિતી મોકલવા માટે ચોક્કસ સ્થળો પર કેટલાંક શખ્સોને પણ ઉભા રાખ્યા હતા. આ શખ્શો તમામ માહિતી શેર કરતા હતા કે અધિકારી ક્યાં જાય છે, કયા સ્થળ પર છે અને વાહનનો નંબર અને લોકેશન પણ મોકલતા.
સવાલ એ થાય છે કે આ શખ્સોએ આવું કાવતરૂં કેમ રચ્યું હશે.માહિતી મળી છે કે છેલ્લા કેટલાંક સમયથી અધિકારીઓએ ગેરકાયદે પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે માફિયાઓ પકડાઇ ન જાય અને તેમની પ્રવૃતિ ચાલતી રહે, તે માટે અધિકારીઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ગોધરા કલેક્ટરે કાલોલના ચલાલી પાસેથી એક શખ્સને ઝડપ્યો.
તપાસમાં સામે આવ્યું કે કાલોલથી પકડાનાર વ્યક્તિએ અધિકારીના વાહનનો નંબર અને લોકેશન સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂક્યું હતું અને આવા અનેક ગ્રુપ ચાલી રહ્યા છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીની બાઇકનો પીછો કરતો શખ્સ પકડાયો અને તેના મોબાઇલમાં 10 ગ્રુપ મળ્યા. આવી જ માહિતી પંચમહાલ LCBને મળી હતી અને તેમણે વોચ ગોઠવીને 3 શખ્સોને પકડ્યા છે.
આ પણ વાંચો-રાજકોટના જસદણ APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2725 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
હાલ તમામ 5 શખ્સો સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઇ છે. આરોપીઓની અટકાયત થતા ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ નીકળવા માંડ્યા હતા. કેટલાંક ગ્રુપમાં એડમિને પોતે જ મેમ્બરોને કાઢીને બંધ કર્યા. આ મામલે કલેક્ટરે જણાવ્યું કે મોબાઇલ નંબરના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે.