વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 18 જૂનના રોજ મધ્ય ગુજરાતના (Gujarat) મહેમાન બનવાના છે. જેમાં તેઓ સૌપ્રથમ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે મા મહાકાળીના નિજ મંદિર પર ધ્વજારોહણ કરશે. બાદમાં પાવાગઢની તળેટીમાં આવેલા વિરાસતવનની મુલાકાત લઈને વડોદરા (Vadodara) ખાતે જાહેર સભા સ્થળે પહોંચશે. પાવાગઢમાં મા મહાકાળીના દર્શન સાથે વિરાસત વનની મુલાકાતનો વડાપ્રધાનનો વિશેષ હેતુ તેમને 11 વર્ષ પહેલા વાવેલા અશોક સીતાના રોપાને વૃક્ષ બનેલુ જોવાનો માનવામાં આવે છે. વડાપ્રધાને સામેથી આ વૃક્ષને જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કંઈક અલગ ન કરે તો એ નરેન્દ્ર મોદી નહી ! વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8 વર્ષમાં બીજી વાર પંચમહાલ જીલ્લામાં આવવાના છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પંચમહાલ જીલ્લામાં તેઓ સૌપ્રથમ વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે એક જાહેર સભામાં આવ્યા હતા. હવે બીજીવાર 18 જુન 2022ના રોજ આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એક એવી જગ્યાની મુલાકાત લેવાના છે જે જગ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ આ વિસ્તારના લોકો માટે વર્ષો પહેલા લોકાર્પિત કરવામાં આવી હતી. આ જગ્યાનું નામ છે વિરાસત વન.
વર્ષ 2011માં 31 જુલાઇ 2011ના રોજ હાલોલ તાલુકાના જેપુરા ગામમાં આવેલા વિરાસત વનમાં 62મો રાજ્યકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો હતો. 2011માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદીએ તે સમયે વિરાસત વનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તે દિવસે નરેન્દ્ર મોદીએ અશોક સીતાના વૃક્ષનો રોપો રોપ્યો હતો. અને આ રોપો આજે 11 વર્ષે એક વૃક્ષ બન્યું છે જેની ખાસ મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વિરાસત વનની મુલાકાતે આવવાના છે.
જયારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ સાથે 18 જુને પાવાગઢ આવવા અંગે વડાપ્રધાનની વાત થઇ હતી. તે સમયે વડાપ્રધાને સુરેન્દ્રભાઇને પાવાગઢ મંદિરની સાથે વિરાસત વનની પણ મુલાકાત કરવાની ખાસ ઇચ્છા વ્યક્ત કરી હતી. વિરાસત વનમાં વર્ષ 2011માં કરેલા વૃક્ષારોપણ બાદ આજે તે વૃક્ષો કેવા છે તે જોવાની પણ વડાપ્રધાને ઈચ્છા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાને વિરાસત વનમાં રોપેલા છોડની હાલની સ્થિતિ જાણવાની જાહેર કરેલી ઈચ્છા બાદ સ્થાનિક પંચમહાલ જિલ્લાનું વન વિભાગ સફાળું જાગ્યું હતુ અને વિરાસત વનમાં એ વૃક્ષની શોધ કરવા માંડ્યુ હતુ કે જે વડાપ્રધાને વાવ્યુ હતુ. વન વિભાગ માટે પણ આ વૃક્ષ શોધવું જાણે એક પડકાર બન્યો હતો. આખરે વન વિભાગના કર્મીઓએ ભારે જહેમત બાદ એ અશોક સીતાનું વૃક્ષ શોધી જ કાઢ્યું કે જેની રોપણી આજથી 11 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ કરી હતી. આગામી 18મી જુને તેઓ તે વૃક્ષને જોવા માટે આવવાના છે. વન વિભાગ દ્વારા હાલમાં આ વૃક્ષને સાચવવા માટે રાત્રી દરમિયાન 3 વનકર્મીઓને ફરજ પર મુક્યા છે.
18 મી જુને સવારે 9 વાગ્યે પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢના વડા તળાવ ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ ખાતે અઆવી પહોંચશે. ત્યાર બાદ તેઓ પાવાગઢ નિજ મંદિર પહોંચી પૂજાવિધિ બાદ મંદિર પર ધ્વજારોહણ કરશે. ત્યારબાદ તેઓ પાવાગઢ ખાતે કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોનું નિરીક્ષણ કરી તેઓ પાવાગઢની તળેટી ખાતે આવેલા વિરાસત વનની મુલાકાતે જશે અને ત્યારબાદ તેઓ વડોદરા જવા માટે રવાના થશે. પાવાગઢ ખાતેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 આઈજી, 1 ડીઆઈજી, 8 એસપી, 23 ડી વાય એસપી , 44 પીઆઈ ,189 પી એસ આઈ અને 3 હજાર પોલીસ જવાનો ખડેપગે ફરજ પર રહેશે.
Published On - 12:03 pm, Wed, 15 June 22