પંચમહાલ (Panchmahal) જિલ્લા પોલીસ વડા (District Police Chief)ડૉ.લીના પાટીલનો (Dr. Leena Patil) વિદાય સમારંભ ગોધરા પોલીસ તાલીમ શાળા ખાતે યોજાયો હતો. જેમાં ડૉ લીના પાટિલને અનોખી રીતે વિદાય અપાઈ હતી. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી, તેઓના સરકારી વાહનને મેઈન ગેટ સુધી દોરડા વડે દોરીને વિદાય અપાઇ હતી. તાજેતરમાં જ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલની ભરૂચ ખાતે બદલી (Transfer) થઈ છે, તેઓના કાર્યકાળ દરમ્યાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં નોંધનીય સુધારા જોવા મળ્યા છે.
તાજેતરમાં જ રાજ્યના આઈ.પી.એસ અધિકારીઓની બદલીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલની ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. જેને લઈને પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે તેમનો વિદાય સમારંભ ગોધરા ખાતે આવેલ પોલીસ તાલીમ શાળા ખાતે રાખવામાં આવ્યો હતો. વિદાય સમારંભમાં જિલ્લામાંથી તેમજ ખાસ કરીને ગોધરા શહેરના વિવિધ સમાજના આગેવાનો, ગોધરાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ અધ્યક્ષ અશ્વિન પટેલ, નગરપાલિકા ગોધરાના પ્રમુખ સંજય સોની, સામાજિક કાર્યકરો, તબીબો, અધિવક્તાઓ તેમજ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લામાંથી વિદાય લઈ રહેલા ડૉ.લીના પાટીલ દ્વારા પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખૂબ જ સુદ્રળ બનાવી ગોધરા શહેરની વર્ષો જૂની છાપને સુધારી હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું. ડૉ.લીના પાટીલ એ તેમના 3 વર્ષ અને 8 મહિના જેટલા સૌથી લાંબા ફરજકાળ દરમિયાન કરેલી કામગીરીને પણ સ્થાનિક અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં એક મહિલા પોલીસ વડા તરીકે તેઓ પ્રથમ પોલીસ અધિકારી હોવાની સાથે સૌથી વધુ ટેન્યોર તેઓના નામે થવા પામ્યો છે.
તો બીજી તરફ ઉપસ્થિત સૌએ તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી નવી જવાબદારીઓ સુપેરે નિભાવે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમજ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ડૉ.લીના પાટીલએ પણ જિલ્લાના તેમજ ગોધરા શહેરના તમામ પ્રજાજનો સહિત આગેવાનોનો આભાર વ્યક્ત કરી પંચમહાલ જિલ્લામાં બજાવેલ ફરજ તેમના જીવનની એક યાદગાર ફરજ બની રહેશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે વિદાય લઈ રહેલા ડૉ.લીના પાટીલના સરકારી વાહનને પોલીસ પરિવારના સભ્યોએ રસ્સાથી ખેંચી અનોખી વિદાય આપી હતી.
આ પણ વાંચો : સાક્ષર નગરી નડિયાદમાં વધુ એક યુનિવર્સીટીનો ઉમેરો, મહાગુજરાત મેડીકલ સોસાયટી દ્વારા “ઋણ સ્વીકાર” કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં કોરોનાના નવા 09 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 67 થઈ