PANCHMAHAL: મંત્રીજીની મુલાકાત બાદ કોવિડ કેર સેન્ટર ખાલી-ખમ્મ, વાયરલ વીડિયોમાં માત્ર દેખાવ કરવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપ

|

May 10, 2021 | 10:31 PM

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે શરુ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મંત્રી દ્વારા મુલાકાત બાદ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા દર્દીઓ ઘરે જતા રહેવા તેમજ સેન્ટરને તાળા લગાવી દેવાના વીડિયો વાયરલ થયા બાદ તંત્રમાં દોડધામ મચી હતી.

PANCHMAHAL: પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે શરુ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મંત્રી દ્વારા મુલાકાત બાદ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા દર્દીઓ ઘરે જતા રહેવા તેમજ સેન્ટરને તાળા લગાવી દેવાના વીડિયો વાયરલ થયા બાદ તંત્રમાં દોડધામ મચી હતી.

 

 

જવાબદાર મેડીકલ ઓફિસરે દર્દીઓ ઘરે જતા રહ્યા હોવા તેમજ સેન્ટરને તાળા લાગી ગયા હોવાની વાતને સ્વીકારી હતી તો દર્દીઓને મંત્રીની મુલાકાત દરમિયાન માત્ર દેખાવ કરવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપને નકાર્યો હતો.

 

 

પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનની શરૂઆત કરી હતી. જેના અંતર્ગત ગામડાઓની શાળાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રવિવારે રાજયના મંત્રી જયદ્રથસિંહ પરમાર જિલ્લાના કોવિડ કેર સેન્ટરની ચકાસણી કરવા નિકળ્યા હતા. જેને લઈને મોરવા(હ)ના સંતરોડ ખાતેના PHC સેન્ટર પાસેની કોવિડ કેરની તપાસણી કરવા જવાના હતા.

 

 

સંતરોડ PHC સેન્ટરના મેડીકલ ઓફિસર મંત્રી આવતા પહેલા કોવિડ કેરમાં બોગસ દર્દીઓને દાખલ કર્યા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં સંતરોડ મંદીરના પુજારીની પત્નીને તાવ આવતા તેઓ પીએચસી સેન્ટર ખાતે કોરોનો રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

 

 

પરંતુ મેડીકલ ઓફિસરે મહિલાને થોડાક સમય કોવિડ કેરમાં મોટા સાહેબ આપવાના છે તો તેમ ફક્ત મોઢું બતાવીને જતા રહેજો તેમ કહીને કોવિડ કેરમાં લઈ જઈને રજીસ્ટરમાં નામ લખાવીને દાખલ કર્યા હતા. જ્યાં અન્ય એક શંકાસ્પદ મહિલાને પણ દાખલ કરવામાં આવી હતી.

 

 

પરંતુ નેગેટીવ આવેલી મહિલા ડરી જતાં મંત્રી આવતા પહેલા રફુચક્કર થઈ ગઈ હતી. મંત્રી આવતા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈને કોવિડ કેરની તપાસ કરીને જતા રહ્યા હતા. રાજય મંત્રી જતાં જ કોવિડ સેન્ટરમાં અન્ય એક મહિલા પણ જતી રહેતા કોવિડ કેરને તાળાં મારી દેવામાં આવ્યા હતા.

 

 

આ બાબતે સંતરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટરના મેડીકલ ઓફિસરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મહિલાને તાવ, શરદી, ખાંસી આવતા PHC સેન્ટર બતાવવા આવી હતી. તેને શંકાસ્પદ દર્દી તરીકે કોવિડ કેરમાં દાખલ કરી હતી. વાઈરલ વીડિયોમાં બોગસ દર્દીઓ હોવાની વાત તદન ખોટી છે. કોવિડ કેર સેન્ટર પાંચ વાગે બંધ કરી દેવાની બાબત ગંભીર છે. અમે ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કરીશુ.

 

આ પણ વાંચો: હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી પહેલા ગુજરાત સરકારે રજૂ કર્યું 56 પેજનું સોગંદનામું, સરકારે લીધેલા નિર્ણયોનો કર્યો ઉલ્લેખ

Next Video