રાજ્યના (Gujarat) કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી હતી. જેને પગલે 18 નવેમ્બર વહેલી સવારે ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા (Rain) જોવા મળ્યા. અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. તો સાણંદમાં (Sanand) કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ ગાંધીનગરના દહેગામમાં માવઠાની અસર જોવા મળી. તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. તો બીજી તરફ મહેસાણા (Mehsana) જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું. અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠામાં માવઠાની અસર
ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. જણાવી દઈએ કે આગામી કેટલાક દિવસો સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. તો આ માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી. બનાસકાંઠાના કાંકરેજના થરા, લાખણી, દાંતા પંથકમાં પણ વહેલી સવારે માવઠું વરસ્યું. અડધો કલાક સુધી વરસાદ પડતા અહીં રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. તો માવઠું પડવાના કારણે રોગચાળો પણ વકરવાનો ડર હવે વધી રહ્યો છે.
શામળાજી કારતકી પૂનમના મેળામાં અસર
તો બીજી તરફ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈ ભક્તોને હાલાકી પડી. કારતકી મેળાને લઈને વેપારીઓના લગાવેલા ટેન્ટ પલળી ગયા હતા. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
જણાવી દઈએ કે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે.. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જોવા મળી વરસાદની અસર
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જેની અસર વહેલી સવારથી જ જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Amreli: હચમચાવી દેનારી ઘટના આવી સામે, પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ
આ પણ વાંચો: Rajkot: ધોળા દિવસે લૂંટ, 2 શખ્સોએ મિલના એકાઉન્ટન્ટને રોકીને લાખો રૂપિયા અને બાઈક પડાવી લીધું
Published On - 8:29 am, Thu, 18 November 21