ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠા ના પોશીના, બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તાર તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો અને સાબરમતી નદીના ઉપવારસ વિસ્તારમાં ભારે વરસાદ શુક્રવાર સાંજથી વરસી રહ્યો છે. વિસ્તારમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે. શનિવારે સાંજે 5 કલાકથી ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાવવી શરુ થઈ હતી. ધરોઈમાં નવા પાણીની આવક થતા જ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
ઉત્તર અને મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 41 ટકા જેટલો જળ જથ્થો ભરેલો છે. આ દરમિયાન હવે શનિવારથી જ સાબરમતી નદીમાં નવા પાણીની આવક શરુ થતા ખેડૂતોને માટે રાહત શરુ થઈ છે. ધરોઈ જળાશયમાં 12,222 ક્યુસેક પાણીની આવક રાત્રીના 9 કલાકે નોંધાઈ હતી.
સાંજે 5 કલાકે ધરોઈ જળાશયમાં પાણીની નવી આવક નોંધાવવાની શરુઆત થઈ હતી. પ્રથમ તબક્કે જ 6100 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ હતી. સતત બીજા કલાકે પણ આટલા જ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. પરંતુ સાંજના 7 કલાક બાદ આવકમાં વધારો થયો હતો. 6100 ક્યુસેકથી વધીને આવક 8 હજારને પાર થઈ હતી. આમ લગભગ 2 હજાર ક્યુસેક પાણીની આવકમાં વધારો નોંધાયો હતો.
સાંજે 8 કલાકે આવકમાં વધારો થતા 12,222 ક્યુસેક આવક નોંધાવવાની શરુ થઈ હતી. આમ પાંચ વાગ્યે શરુ થયેલી આવક ત્રણ કલાકમાં જ બમણી થઈ હતી. જે રાત્રીના 9 કલાકે પણ 12 થી વધારે ક્યુસેકની આવક જળવાઈ રહી હતી. આમ સાબરમતી નદીમાં નવા પાણી આવતા જ ધરોઈ જળાશયમાં પાણીની આવક નોંધાવવી શરુ થઈ હતી.
સાબરમતી નદીમાં નવા પાણીની આવક સાંજે શરુ થઈ એ પહેલા તેને જોડતી નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. રાજસ્થાનથી આવતી અને સાબરકાંઠામાંથી પસાર થતી પનારી નદી બે કાંઠે જોવા મળી હતી. પોશીના નજીક પનારી નદીમાં ભરપુર પાણી આવતા જે આગળ જતા સાબરમતી નદીમાં ભળે છે. આમ ધરોઈમાં નવા પાણીની આવક વધવાની સંભાવના વધી હતી. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ ભારે વરસાદ આજે વરસ્યો હતો. જેને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ હતી.
Published On - 9:33 pm, Sat, 17 June 23