Surat : સાંબેલાધાર વરસાદમાં દક્ષિણ ગુજરાતની નદીઓ બની ગાંડીતૂર, ડેમ છલકાયા

|

Jul 12, 2022 | 4:47 PM

નવસારી - જલાલપોરમાં 12 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારીની નદીઓમાં ઘોડાપુર, અડધું શહેર પાણીમાં છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. નવસારી શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને સ્ટેટ હાઈવે બંધ કરાયો છે.

Surat : સાંબેલાધાર વરસાદમાં દક્ષિણ ગુજરાતની નદીઓ બની ગાંડીતૂર, ડેમ છલકાયા
Dams in South Gujarat overflowed

Follow us on

સુરત (Surat) શહેર – જિલ્લામાં આજે વહેલી સવારથી માંડવીને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા (Rain) એ આંશિક વિરામ લીધો હતો. જોકે બપોર બાદ ફરી એકવાર વરસાદી જોર વધ્યું પણ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી (Forcast) વચ્ચે આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં મેઘરાજાએ વિરામ લીધો હતો. બીજી તરફ જિલ્લામાં માંડવીમાં બે ઈંચ વરસાદને બાદ કરતાં મોટા ભાગના તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લામાં અનારાધાર વરસાદને પગલે તાપી નદીમાં નવા નીર આવતાં કોઝવેની સપાટી આજે વધીને 7.56 મીટરે પહોંચી છે.

ઉકાઈ ડેમની સ્થિતિ : જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઈનફ્લો પણ ક્રમશઃ ઘટાડા સાથે 60 હજાર સુધી પહોંચવા પામ્યુ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 323 ફુટને વટાવી ચુકી છે. છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા તમામ ગેજ સ્ટેશનોમાં ભારે વરસાદને પગલે એક તબક્કે ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ વધારો જોવા મળ્યો હતો. જોકે, ગઈકાલે રાતથી ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતાં ઉકાઈ ડેમના ઈનફ્લોમાં સીધી અસર જોવા મળી છે. ગઈકાલે પોણા બે લાખ સુધી પહોંચેલો ઈનફ્લો આજે બપોરે ઘટીને માત્ર 60 હજાર સુધી પહોંચ્યો છે. આજે ઉકાઈ ડેમની સપાટી 323.66 ફુટ નોંધાઈ છે અને હાલ તંત્ર દ્વારા સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

કાકરાપાર ડેમ ઓવરફ્લોઃ આ સિવાય માંડવી નજીક કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાત ના ખેડૂતો ની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવર ફ્લો થયો છે. ડેમ ની કુલ સપાટી 160 ફૂટ છે અને હાલ ઓવરફ્લો થતાં 4 ફૂટ ઉપર થી પાણી જઇ રહ્યું છે. હાલ ડેમ ની સપાટી 164.10 ફૂટ નોંધાઈ છે.

આ પણ વાંચો

આમલી ડેમ પણ છલકાશેઃ સુરત જિલ્લા ના માંડવી તાલુકા માં આવેલ આમલી ડેમ માં સતત પાણી ની આવક વધી રહી છે. ડેમ ની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમ હાલ ભયજનક સ્થિતિ  નજીક 111.40  મીટરે પહોંચી ગઈ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામો ને એલર્ટ કરાયાં છે.

ઓલપાડમાં કિમ નદી બની ગાંડીતૂરઃ કીમથી મોટી નરોલી, હથોડા, પાલોદ સહિતના ગામોને જોડતો મોટા બોરસરા ગામે આવેલ હાઈ બેરલ બ્રિજ ધસમસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ જતાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. 50 ફુટ ઉંચો આ હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં કીમની આસપાસ આવેલા ગામો સંપર્ક વિહોણા બનવા પામ્યા છે. જો કે, આ ગામના લોકોને કીમ સુધી પહોંચવા માટે હવે 15 કિલોમીટર લાંબો ચકરાવો મારવાની નોબત આવતાં વિદ્યાર્થીઓ, પશુપાલકો અને ખેડૂતો સહિત અન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

નવસારીમાં પૂર્ણા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપઃ નવસારી – જલાલપોરમાં 12 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારીની નદીઓમાં ઘોડાપુર, અડધું શહેર પાણીમાં છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. નવસારી શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને સ્ટેટ હાઈવે બંધ કરાયો છે.

નવસારીની અંબિકા – કાવેરી નદીઓમાં પણ ઘોડાપૂરઃ લોકમાતા અંબિકા – કાવેરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જિલ્લામાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાંચ – પાંચ ફુટ સુધી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરંભે ચઢ્યું હતું. નવસારીમાંથી પસાર થતી અંબિકા – પૂર્ણા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતાં સ્થિતિ વધુ વિકરાળ બનવા પામી છે. હાલ અંબિકા નદી તેની ભયજનક સપાટી 28 ફુટ કરતાં 30 ફુટે જ્યારે પૂર્ણા નદી 23 ફુટની ભયજનક સપાટી કરતાં વધુ 26.50 ફુટે અને કાવેરી નદી 14 ફુટની સપાટીએ વહી રહી છે. ભયજનક સપાટીને વટાવી જવાને કારણે આ ત્રણેય નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલે સાંજથી જ જળબંબાકારની સ્થિતિ જવા મળી રહી છે.

Published On - 4:01 pm, Tue, 12 July 22

Next Article