નવસારી(Navsari)માં લાકડા ભરવા બાબતે સામાન્ય બોલાચાલીમાં હત્યાના ગુનાને અંજામ આપી દેવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સામાન્ય તકરારમાં યુવાને તેના પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. લાકડા ભરવા બાબતે થયેલી તકરારની રીસ રાખી સાંજના સમયે હુમલો કરવામાં આવતા યુવાનનું મોત નીપજ્યું હતું. લાકડા ભીના હોવાની ફરિયાદ સાંભળવાના સ્થાને માર મારવામાં આવતા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.બનાવ સંદર્ભે પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામનો આ બનાવ છે. ગણેશ ફળિયાના યુવાનો લાકડાના વેપારી માટે કુકેરી ગામે શાંતાબા હોસ્ટેલની બાજુમાં આવેલી આંબાવાડીમાં ટ્રેક્ટરમાં લાકડા ભરવા મજૂરીકામ માટે ગયા હતા. સવારે 11 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં લાકડા ભરતા હતા તે દરમિયાન હિતેશ પટેલે પિતરાઈ વિશાલ પટેલને વરસાદ પડ્યો હોવાથી લાકડા ભીના હોવાની ફરિયાદ કરી હતી. લાકડા ભરવા બાબતે બંને વચ્ચે તકરાર થઇ હતી. અચાનક ઉશ્કેરાયેલા વિશાલ પટેલ અપશબ્દો બોલતા હિતેષના ભાઈ કલ્પેશ પટેલે તેને અટકાવ્યો હતો.
અહીંથી વિશાલ રવાના થઇ ગયો હતો જે બાદમાં કુકેરીથી રાનવેરીકલ્લા ઘરે જતા વિશાલ પટેલે ધમકી આપી હતી કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં છું તેમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો. સાંજના સમયે હિતેશ અને કલ્પેશ સાથે અન્ય લોકો મજૂરી કામ પતાવી સાંજના 5.30 વાગ્યાના અરસામાં ઘરે આવ્યાં હતા. તે અરસામાં વિશાલ પટેલે અચાનક જ આવી કલ્પેશને ગાળો આપી હિતેશને માર માર્યો હતો. હિતેશને મારથી બચાવવા વચ્ચે પડેલ માતા અને પત્નીને પણ માર મારવામાં આવ્યો હતો. વિશાલે કલ્પેશને માર મારી પાકા ડામર રોડ પર જોરથી પછાડતા મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા કલ્પેશ રોડ પર જ ઢળી પડ્યો હતો. કલ્પેશને 108મા ટાંકલ પીએચસીમાં સારવાર અર્થે લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની મૃતકના ભાઈ હિતેશ અમ્રતભાઈ પટેલે ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલે અટક કરી પીઆઇ કે.એચ.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.