નવસારીના કાંઠા વિસ્તારના 52 ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં આજે જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત 36 માંથી 18 ગામોના ખેડૂતોએ મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિ હેઠળ સંગઠિત થઈ એક સૂરમાં હાઈ ટેન્શન લાઈન પડતર જમીનમાંથી લઈ જવાની માંગ ઉઠાવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી પણ દર્શાવી છે.
નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવા જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં બંને તાલુકાઓના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગત દિવસોમાં ખેડૂતોએ નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ આજે નવસારીના જલાલપુર ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ સભા યોજી આગળની રણનીતિ નક્કી કરવા માટેની તૈયારીઓ દર્શાવી છે.
જેમાં અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે બાગાયતી વિસ્તારમાંથી આ હાઈટેન્શન લાઇન પસાર ન થવી જોઈએ અને આ લાઈનને ખંજણવાડી જગ્યામાંથી જો પસાર કરવામાં આવે તો સરકારને અને ખેડૂતોને બંનેને ફાયદો થઇ શકે એમ છે. તો બીજી તરફ નવસારીના કેટલાક કાંઠા વિસ્તારમાં હાઈટેન્શન લાઈનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
એક તરફ ભારત માલા પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને હવે આ હાઈટેન્શન લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ સરકાર જમીન સંપાદન માટેની કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર માપણી શરૂ કરી દીધી છે જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે જ જો હાઈટેન્શન લાઈન ખેતરમાંથી લઈ જવામાં આવે તો ખેડૂતોએ હાઇકોર્ટ સુધી લડત આપવાની તૈયારી પણ બતાવી છે.
(With Input, Nilesh Gamit, Navsari)
Published On - 4:43 pm, Sun, 12 March 23