Gujarat Monsoon: મેઘરાજાના કહેરથી ઠેર ઠેર તારાજી, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તારાજી

|

Jul 14, 2022 | 9:03 AM

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) જ્યાં જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યાં ત્યાં હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક ધોવાઈ જવાને કારણે ચિંતામાં સરી પડ્યા છે તો રાજ્યમાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ ગયા છે.

Gujarat Monsoon: મેઘરાજાના કહેરથી ઠેર ઠેર તારાજી, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તારાજી
Gujarat Monsoon

Follow us on

ગુજરાતમાં (Gujarat) મેઘાની મહેર હવે કહેર બનતી જાય છે અને સૌરાષ્ટ્રથી (Saurashtra) માંડીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યાં ત્યાં હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોના પાક ધોવાઈ જવાને કારણે ચિંતામાં સરી પડ્યા છે તો રાજ્યમાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ ગયા છે. રાજ્યમાં વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વધુ 14 લોકોના મોત થયાં છે, જેમાં 2 ઝાડ પડવાથી, 2 વીજળી પડવાથી અને 9 લોકો પાણીના વહેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે.

575 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં NDRF અને મહેસુલ વિભાગે કામગીરી કરીને લકોને બચાવ્યા છે. અત્યાર સુધી 31,035 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેમાંથી 9,941 લોકો સ્વગૃહે પાછા ફર્યા છે. જ્યારે 21,094 લોકો હજુ આશ્રયસ્થાનોમાં છે. વરસાદી પાણી ફરી વળતા અથવા રસ્તો ધોવાઈ જવાથી કચ્છમાં 41 નંબરનો નેશનલ હાઈવે , નવસારીમાં 64 નંબરનો નેશનલ હાઈવે અને ડાંગમાં 953 નંબરનો નેશનલ હાઈવે બંધ છે. પંચાયતના 483 રસ્તા બંધ છે. સ્ટેટ હાઈવે સહિત 537 માર્ગ બંધ છે.

આ પણ વાંચો

તો બીજી તરફ ભારે વરસાદના કારણે તંત્ર રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલું રહે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો ગુજરાત પ્રવાસ રદ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે ભારે વરસાદના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાની હાલત ખરાબ છે. તંત્ર PMના આગમનની તૈયારીમાં લાગે તો લોકોને મુશ્કેલી પડે. જેના કારણે વડાપ્રધાને પોતાનો પ્રવાસ રદ કર્યો છે. સાથે જ ગુજરાતને તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે. ઉપરાંત કહ્યું કે ભારે વરસાદના પગલે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે, જેની સહાય પણ લોકોને મળી રહે તે માટે પણ મુખ્યપ્રધાનને રજૂઆત કરીશું.

રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાન બાદ સરકારે  સહાયની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં  માનવમૃત્યુ માટે ચાર લાખની રકમ જ્યારે દૂધાળા પશુઓના મૃત્યુ પર 30 હજાર રૂપિયા ચૂકવવાની  જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી પડેલા ભારે વરસાદના પગલે રાજયના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. જેના પગલે આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી.

Published On - 9:59 pm, Wed, 13 July 22

Next Article