નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં એક અસ્થિર મગજની મહિલાને તેના બાળક સાથે પતિએ તરછોડી દીધી હતી. આ મહિલાનો નાનકડો બાળક અંકીત વસાવા એકલો અટુલો આમતેમ ભટક્યા કરતો અને આસપાસના લોકો તેને જમવાનુ આપતા હતા. તેમની પાસે રહેઠાણનું પણ કોઈ ઠેકાણુ ન હતુ. આ બાળક પર જિલ્લા બાળ સુરક્ષા એકમના સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યો અને બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને તેમની ટીમે બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના સુપ્રીનિટેન્ડેન્ટ ધ્રુમીલ દોશી અને તેમની ટીમને સોંપ્યો હતો.
અસ્થિર મગજની માતાનો આ બાળક પ્રથમ દૃષ્ટિએ તો અન્ય બાળકો કરતા થોડો અલગ હતો. આથી સિવિલ હોસ્પિટલના સાયકીયાટીસ્ટ પાસે અંકિતનો આઈક્યુ ટેસ્ટ કરાવ્યો ત્યારે તબીબે જણાવ્યુ કે બાળકમાં સ્લો લર્નિંગ ડિસેબિલીટીનો શિકાર છે. બાળકને ભણાવવા માટે પણ ઘણી મહેનત કરવી પડશે. જો કે આ સાંભળીને પણ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા અને તેમના સ્ટાફે હિંમત ન હારી અને બાળકનું આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલાવી ધોરણ 1માં પ્રવેશ અપાવ્યો. બાળકની પ્રિમેટ્રિક સ્કોલરશીપ પણ શરૂ કરવામાં આવી છે.
ચિલ્ડ્રન હોમ દ્વારા આ બાળકનું કાઉન્સેલિંગ કરાયુ હતુ. નજીકની પ્રયોગશાળામાં પ્રવેશ અપાવી નિયમીત રીતે ગણિત, વિજ્ઞાન, સહિત અન્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતુ હતુ. ઉપરાંત સંસ્થાના સ્ટાફ દ્વારા પણ અંકિતની નિયમિત સારસંભાળ રાખવામાં આવતી હતી અને તેને ગણિતના સરવાળા બાદબાકીથી લઈને રોજબરોજનું જીવન કેવી રીતે જીવવુ તેની તાલીમ આપવામાં આવતી હતી. બાળકના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન હોમનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતો. અભ્યાસમાં પણ તેને વિશેષ સમય આપીને તૈયાર કરવામાં આવી રહ્યો હતો. હાલ અંકિતને સંસ્થામાં બે વર્ષ પૂર્ણ થયા છે અને ત્રીજા ધોરણના વર્ગમાં પ્રથમ ક્રમાંક લઈ આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Video: નર્મદા જિલ્લાના આ ગામમાં પહેલીવાર પહોંચ્યુ પાણી, ગામની મહિલાઓને થઈ રાહત, જુઓ Video
શાળાની નોટિસ બોર્ડ પર પ્રથમ ક્રમાંકે આવનાર અંકિત વસાવાનું નામ લખાયુ ત્યારે ચિલ્ડ્રન હોમના તમામ સ્ટાફની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી. સંસ્થાની અથાગ મહેનતથી બાળકને જાણે નવજીવન મળ્યુ છે. હાલના સમયમાં તે વહેલો ઉઠી પૂજાપાઠ પણ કરે છે અને ઈત્તર પ્રવૃતિઓમાં પણ રસ લે છે. હાલ અંકિત જણાવે છે કે તે મોટો થઈ સારુ ભણી-ગણીને ઉચ્ચ અધિકારી બનવા માગે છે.
ઈનપુટ ક્રેડિટ- વિશાલ પાઠક- નર્મદા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…