સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યુ છે તેની સાથે 375 એકરના વિસ્તારમાં ફેલાયેલ અને “સ્ટેટ ઓફ ધી આર્ટ” ગણાતા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક ખાતે અનોખા જન્મદિનની ઉજવણી થઈ હતી. આ જન્મદિવસ એટલા માટે ખાસ હતો કે કારણ કે, અહિંયા વસવાટ કરતા પ્રાણીઓ અને પક્ષીઓ અહીંના કર્મયોગીઓના પરીવારજન છે એટલે ઉત્સાહ સાથે સૌના વ્હાલા મંગલ ગેંડાના જન્મદિનની ઉજવણી વિશાળ કેક કાપીને કરવામાં આવી હતી.
ગુજરાતીમાં કહેવત છે કે, જંગલમાં મંગલ, અને માનવ હોય કે પ્રાણી બાળકનો જન્મ દરેકને સંતોષ અને આનંદ આપે છે. જન્મદિવસ આનંદનો પ્રસંગ ગણાય છે. ત્યારે એકતાનગરના ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે તેવી જંગલ સફારીના પ્રવાસીઓ અને સ્ટાફના વ્હાલા મંગલે નર ગેંડા તેના જીવનના 17 વર્ષ પૂર્ણ કરતા જંગલ સફારી પરીવારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલને અનુકૂળ અને ભાવતા ખોરાકને અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવી હતી અને તેના જન્મદિવસની ઉજવણી કરી હતી.
અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી- પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતા. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે પ્રાણીને ખૂબ સુરક્ષિત, વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળી રહ્યું છે અને આજે જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી-પક્ષી અત્રેના કર્મયોગીઓના પરીવારજન બની ગયા છે.
એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં આજે મંગળ ગાન અને જન્મદિનના વધામણાંના હરખનું વાતાવરણ હતુ અને કેમના હોય! જંગલ સફારીના નર ગેંડા “મંગલ”નો જન્મદિન હતો. સફારીના સમગ્ર કર્મયોગીઓએ ભેગા થઇને મંગલના જન્મદિનને યાદગાર બનાવવા માટે ઘાસ અને ખાસ શાકભાજીનો ઉપયોગ કરીને મંગલને લાયક અને તેની તંદુરસ્તી જળવાય તેવી કેક બનાવી હતી અને હેપ્પી બર્થ ડે ટુ ડીયર મંગલ ના ગીત સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
પોતાની લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે, મંગલનો જન્મ કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં 28/03/2006 માં થયો હતો અને તેને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના માપદંડોને અનુસરીને એનિમલ એકસચેંજ પ્રોગ્રામ હેઠળ 2019માં જંગલ સફારીમાં લાવવામાં આવ્યો હતો.
જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી અમારા માટે એક પરીવારજન કરતા પણ વધારે છે, લાડકોડ અને કાળજી સાથે તમામ પ્રાણીઓની કાળજી રાખવામાં આવી રહી છે, આજે સૌના વ્હાલા મંગલ ના જન્મદિનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે, સમગ્ર વિશ્વ એક પરીવાર છે અને અમારા કર્મયોગીઓ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્મા થી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે આ એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.
વિથ ઇનપુટ, વિશાલ પાઠક ટીવી9