નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે આગામી તા. ૨૪-૨૫ના રોજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી અને આગામી તા. ૨૬-૨૭ મીએ ભાદરવા ખાતે યોજાનાર ભાથીજીના લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સુચારૂ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણની બે દિવસની યાત્રા-મુલાકાત સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી.
જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં સાંસદ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના જવાબો સમયસર મોકલી આપવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલી જેવીકે, નગરમાં રખડતા ઢોરનું વ્યવસ્થાપન, રોડ સાઈડમાં પડેલા કચરાનો યોગ્ય નિકાલ અંગે એકબીજા વિભાગોને સંકલનમાં રહીને પ્રશ્નો દૂર કરવા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.આ સાથોસાથ લોકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની સત્વરે જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાતની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હથિયાર પરવાના, તપાસણી નોંધણી જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી અને પ્રાંત-મામલતદાર કક્ષાએ કરેલી કામગીરી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી.
ત્રીજી બેઠકમાં જિલ્લામાં ચાઈલ્ડ લેબર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સપ્તાહ અને આગામી માસ દરમિયાન ખાસ બાળ મજૂરી દૂર કરવા વિવિધ એકમોમાં તપાસ અને રેડ કરવા તેમજ આવી બાબતો કોઈ કચેરી કે અધિકારીના ધ્યાને આવે તો લેબર કમિશ્નરશ્રીની ઓફિસનું ધ્યાન દોરવા પણ જણાવાયું હતું. જિલ્લામાં ફિલ્ડ વિઝીટ કરીને આ બાબત ધ્યાને આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
Input Credit : Vishal Pathak, Narmada