
નર્મદાના ડેડિયાપાડા હર હંમેશની જેમ જ્યાં તંત્ર વામણુ પુરવાર થયુ છે ત્યાં 108 ની ટીમની સરાહનિય કામગીરીના દર્શન થયા છે. એક તરફ માથે વરસાદ ચાલુ હોય, દુર્ગમ રસ્તાઓ એવા જગ્યાએ 108ની ટીમ માટે પણ દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવી પડકાર સાબિત થતી હોય છે. આવી સ્થિતિમાં 108ની ટીમે જરા પણ હિંમત હાર્યા વિના તેની ફરજ નિષ્ઠાનો પરિચય આપતા દર્દીને ચાલુ વરસાદે ઝોળીમાં ઉંચકીને લઈ ગયા અને તેને એમ્બ્યુલન્સમાં સુધી પહોંચાડી સારવાર અર્થે ખસેડ્યા હતા.
ડેડિયાપાડામાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ તેમની હિંમત અને ફરજ નિષ્ઠાનો પરિયચ આપતા દર્દીને ઝોળીમાં બેસાડીને પગપાળા મુશ્કેલ માર્ગ પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી જીવ બચાવ્યો હતો. હાલ 108ના કર્મીઓની આ પહેલનો વીડિયો વાયરલ થયો છે અને તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે નર્મદા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને અહીં મોટાભાગના રસ્તાઓ દુર્ગમ સ્થિતિ છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ છેવાડાના કહી શકાય એવા વિસ્તારોમાં પાકી સડક હોવી એ એક દિવાસ્વપ્ન જેવુ છે. તેમા પણ વરસાદી સિઝનમાં આ લોકોની હાલત વધુ કફોડી બનતી હોય છે. પહાડી, ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી મોટાભાગના માર્ગો કાચા છે. ત્યારે ચોમાસાની સિઝનમાં અહીં ગામ સુધી એમ્બ્યુલન્સ જેવી ઈમરનજન્સી સેવા પણ પહોંચી શક્તી નથી. દરેક વખતે તંત્ર દ્વારા ઠાલા વચનો આપવામાં આવે છે પરંતુ અહીં પાકી સડક બનતી નથી. ત્યારે 108ના ફરજ પરસ્ત આ કર્મીઓએ સાબિત કર્યુ છે કે નિયત હોય તો કોઈપણ પરિસ્થિતિમાં ફરજ નિભાવી શકાય છે. આ વિસ્તારમાંથી આ જ પ્રકારે ઝોળીમાં ઉંચકીને લઈ જવાના અનેકવાર દૃશ્યો સામે આવતા હોય છે પરંતુ આ વખતે ગામલોકો દ્વારા નહીં પરંતુ 108ની ટીમ દ્વારા દર્દીનો જીવ બચાવવા માટે આ પ્રકારની જહેમત લેવામાં આવી, જે ખરેખર સરાહનીય છે.
Input Credit- Vishal Pathak- Narmada
Published On - 9:20 pm, Sat, 27 June 26