
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો આદેશ આપી ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે. દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને લઇને આ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
સમગ્ર કેસ મામલે મૃતકોના પરિજવારજનો તરફથી વધુ એક સોગંદનામુ રજૂ કરાયુ હતુ. સોગંદનામામાં ઉચ્ચ કક્ષાના લોકોના નામ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે કોણે આ કામ કરવા માટે ઓરેવા અથવા જયસુખ પટેલને કીધુ હતુ તેના નામ જાહેર કરવામાં આવે. તેમજ ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે ખુલાસો માગ્યો હતો.
બ્રિજ હોનારત મુદ્દે ઓરેવા ગ્રૃપે અગાઉની સુનાવણીમાં મૃતકોના પરિવારને 3.5 લાખ રૂપિયા વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી હતી. જેને લઈને કોર્ટે પુછ્યુ કે શું આ વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? કોર્ટે સ્પષ્ટ કહ્યુ હતુ કે આ રકમ વ્યાજબી લાગતી નથી. કોર્ટ મિત્રએ કહ્યું હતુ કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ. ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે, કંપનીની જવાબદારી 55 ટકા નક્કી થાવી જોઇએ.
મહત્વનું છે કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કહ્યું હતુ કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આ રીતે આપી શકીએ એમ છીએ. તો કોર્ટે જયસુખ પટેલના વકીલને કહ્યું હતુ કે વકીલ તરીકે તમારી મર્યાદા હોઇ શકે, પણ અમે ગઈ કાલે જ સ્પષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.
જે પછી હાઇકોર્ટે ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે. દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે.
Published On - 12:59 pm, Wed, 22 February 23