મોરબી હોનારતની દર્દનાક સ્ટોરી : 43 વર્ષ મોતે પીછો કર્યો, પરંતુ નસીબે આ વખતે મુમતાઝનો સાથ ન આપ્યો !

1979માં મચ્છુ ડેમ તૂટવાથી સર્જાયેલી દુર્ઘટનામાંથી બચી ગયેલી મુમતાઝ મોરબી કેબલ બ્રિજ અકસ્માતમાં પોતાને બચાવી શકી ન હતી. આ અકસ્માતમાં 62 વર્ષીય મુમતાઝ, તેની પુત્રવધૂ અને પૌત્રનું મોત થયુ છે.

મોરબી હોનારતની દર્દનાક સ્ટોરી : 43 વર્ષ મોતે પીછો કર્યો, પરંતુ નસીબે આ વખતે મુમતાઝનો સાથ ન આપ્યો !
MorbI Bridge Tragedy
| Edited By: | Updated on: Nov 02, 2022 | 9:32 AM

કહેવાય છે કે દરેક વખતે નસીબ સાથ આપતુ નથી. આવું જ કંઈક મુમતાઝ મકવાણા સાથે પણ થયું. 1979માં મચ્છુ ડેમ તૂટી ગયો ત્યારે મુમતાઝ 19 વર્ષની હતી. તે દરમિયાન એક અઠવાડિયું સતત વરસાદ પડતા મચ્છુમાં હોનારત થયુ હતુ. જેના કારણે ડેમમાં પાણીની સપાટી વધી અને તે તૂટી ગયો. આ ઘટનામાં 2000થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી અને આસપાસના ગામો પૂરની ઝપેટમાં આવી ગયા હતા.

આ વખતે નસીબને કંઈક બીજું જ મંજૂર હતુ

આ દરમિયાન 19 વર્ષની મુમતાઝ પોતાનો જીવ બચાવવામાં સફળ રહી, પરંતુ આ વખતે નસીબને કંઈક બીજું જ મંજૂર હતુ. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મુમતાઝ અને તેના પરિવારના બે સભ્યોના મોત થયા છે. 19 વર્ષની ઉંમરે મોતને હાર આપનાર મુમતાઝ 62 વર્ષની ઉંમરે તેની સામે હારી ગઈ હતી.

‘મારી માતા ખૂબ બહાદુર હતી’

મુમતાઝના પુત્ર તારિકે કહ્યું કે તેની માતા ઘણીવાર અમારી સાથે મચ્છુ ડેમ તૂટવાની કહાની અને તેને લગતી દર્દનાક કહાણીઓ જણાવતી હતી. તારિકે જણાવ્યું કે માતાએ મચ્છુ ડેમ તૂટી પડવાના સમયે પાણીમાં પોતાનો દુપટ્ટો નાખીને 4 લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. તારિકે આંખોમાં આંસુ સાથે કહ્યું કે મારી માતા ખૂબ બહાદુર હતી. તેના માતાપિતા અને પડોશીઓને તેના પર ગર્વ હતો.

વ્યવસાયે ઓટોરિક્ષા ચાલક તારિકે જણાવ્યું હતું કે 1979માં જ્યારે ડેમ તૂટ્યો ત્યારે તેની માતાના નવા લગ્ન થયા હતા. ડેમ તૂટ્યા પછી, તે અને તેના પિતા પાણી ઓછુ ન થાય ત્યાં સુધી ત્રણ દિવસ સુધી મચ્છુના કિનારે તેઓ તેમના ઘરની ટેરેસ પર બેઠા. આ ઘટના બાદ પરિવારને આર્થિક રીતે પણ ઘણુ નુકશાન થયુ હતુ.

માહિતી મુજબ રવિવારે સાંજે મુમતાઝ, તેની વહુ શબાના અને પૌત્ર અશદ ઝૂલતા પુલ જોવા ગયા હતા. તે દરમિયાન આ દુર્ઘટના થતા પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યા છે. હાલ માતા, પત્ની અને પુત્ર ગુમાવનાર તારિકને માત્ર ન્યાય જોઈએ છે. તેમણે કહ્યું કે, હું તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી ઈચ્છું છું.