Morbi tragedy: ગર્ભવતી મહિલાને પાણીની બહાર કાઢી પણ બચાવી ન શક્યો, એક બાળકી મારી નજર સામે મોતને ભેટી, પ્રત્યક્ષદર્શીએ આદ્ર સ્વરે વર્ણવી આપવિતી

એક નિર્દોષે બાળકીને  હું બચાવી લાવ્યો તેણે મારી સામે આંખો ખોલીને જોયું તો  હું ખુશ થઈ ગયો  કે ચાલો વધુ એક જીવ બચ્ચો,  જોકે આ ખુશી ઝાઝી ટકી નહીં અને બાળકી  થોડી ક્ષણોમાં મૃત્યુ પામી. આ બધું  જોઈને યાદ કરીને મારું હૈયું વલોવાઈ જાય છે

Morbi tragedy: ગર્ભવતી મહિલાને પાણીની બહાર કાઢી પણ બચાવી ન શક્યો, એક બાળકી મારી નજર સામે મોતને ભેટી, પ્રત્યક્ષદર્શીએ આદ્ર સ્વરે વર્ણવી આપવિતી
પ્રત્યક્ષદર્શીએ ભારે હૈયે વર્ણવી આપવીતી
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:05 AM

મોરબીની  દુર્ઘટનાએ  સૌની સંવેદનાને હચમચાવી દીધી છે  ત્યારે  હવે પ્રત્યક્ષદર્શીઓએ આ સમગ્ર ઘટનાની વિગતો વર્ણવી છે અને આ  બાબત જણાવતા  તેઓનું હૈયું ભરાઈ  ગયું હતું.   આ  દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ દર્દનાક કહાની વર્ણવી  હતી અને  જણાવ્યું હતું  કે  મેં જિંદગીમાં ક્યારેય આવી ઘટના જોઈ નથી , જ્યારે પુલ 6-40 ની આસપાસ તૂટ્યો  ત્યારે થોડું અધારું વળી ગયું હતું.  અચાનક જ આ રીતે પુલ  તૂટી પડતા  જાણે મોતનો આતંક  જોવા મળ્યો હતો.  લોકો કઈ સમજે કે વિચારે એ પહેલા જ પુલ પરથી લોકોને ખાબકતા મેં મારી આંખે જોયા છે.  પુલ તૂટ્યો ત્યારે લોકો જીવ બચાવવા માટે અડધા પુલે લટકી ગયા હતા તેમાં  વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની પરિસ્થિતિ સૌથી ખરાબ હતી.   નાના  બાળકોને  તેડીને કે પકડીને  લટકી રહેલા લોકો માંડ માંડ જાળી પકડીને લટકી રહ્યા હતા અને  બચવા માટે આક્રંદ કરી રહ્યા હતા.

જીવ બચાવવા વલખાં મારતા લોકોને જોવા એ બહું કપરી પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિમાં વચ્ચે જ્યાં પાણી ઉંડું હતું ત્યાં  કેટલાય લોકો ખાબક્યા હતા.  હું  આખી રાત નદીમાં જ  હતો અને લોકોને   બચાવવાની કામગીરીમાં જોતરાયો હતો.   મેં જ્યારે એક એક કરીને  10થી 12 બાળકોના મૃતદેહ બહાર કાઢયા  ત્યારે મને સમજાતું નહોતું કે હું શું કરું.  અન્ય એક સગર્ભા મહિલાને હું જેમ તેમ  કરીને બહાર લાવ્યો પરંતુ હું તે મહિલાને બચાવી ન શક્યો …..હજી બાકી હોય તેમ એક નિર્દોષે બાળકીને  હું બચાવી લાવ્યો તેણે મારી સામે આંખો ખોલીને જોયું તો  હું ખુશ થઈ ગયો  કે ચાલો વધુ એક જીવ બચ્ચો,  જોકે આ ખુશી ઝાઝી ટકી નહીં અને બાળકી  થોડી ક્ષણોમાં મૃત્યુ પામી. આ બધું  જોઈને યાદ કરીને મારું હૈયું વલોવાઈ જાય છે

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે 43 વર્ષ બાદ ફરી એકવાર મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવા વર્ષના દિવસે જ રિનોવેશન પછી ખુલ્લા મૂકાયેલા ઐતિહાસિક ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાઈ ગયો હતો. અચાનક પુલ તૂટતાને કારણે અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે..