
મહેસાણા જિલ્લાના કડીમાં હાલમાં એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં સગાવ્હાલાઓએ ધાબે ચઢીને નોટો ઉડાડી હતી. વરઘોડામાં લોકોએ એટલી બધી નોટો ઉડાડી હતી કે જાણે એવું લાગતું હતું કે આકાશમાંથી નોટોનો વરસાદ વરસી રહ્યો હોય. મહેસાણા જિલ્લાના કડીમાં તાલુકાના સેવાજા આગોલ ગામના પૂર્વ સરપંચે પોતાના ભત્રીજાના લગ્નમાં મન મૂકીને નોટો ઉડાડી હતી. હાલમાં આ નોટો ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જે દીકરાના લગ્ન છે તેના પરિજનો ઘરના ધાબા પર ચઢીને ફટાફ્ટ નોટો ઉડાડી રહ્યા છે આ નોટો ઉડે છે તો એવું લાગી રહ્યું છે કે જાણે આકાશમાંથી નોટોનો વરસાદ વરસતો હોય. લગ્નના વરઘોડામાં રૂપિયા 10 થી માંડીને 500 રૂપિયાની ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. ધાબા પરથી ચલણી નોટોનો વરસાદ થતાં જ પૈસા લેવા ગામ લોકોમાં પડાપડી થવા લાગી હતી. વીડિયો વાયરલ થતા જાણ થઈ હતી કે આગોલના પૂર્વ સરપંચ કરીમભાઈ દાદુભાઈ જાદવના ભત્રીજાના આ લગ્ન હતા. જેમાં મન મૂકીને પૈસા ઉડાડવામાં આવ્યા હતા.
હાલમાં ગુજરાતમાં લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વારંવાર ચલણી નોટો ઉડાડવાના તેમજ હવામાં ફાયરિંગ કરવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ લગ્ન શુક્રવારે થયા હતા, જોકે તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ લગ્ન સમારંભમાં ગઈકાલે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર પણ થઇ હતી.