મહેસાણામાં (Mehsana) IELTS પરીક્ષામાં 8 બેન્ડ મેળવી અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાના મામલામાં મહેસાણા SOG પીઆઈની બદલી કરી દેવામાં આવી છે. મહેસાણા SOG પીઆઈ (Mehsana SOG PI) ભાવેશ રાઠોડની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરાઈ છે. જો કે આ બદલી રાજકીય પ્રેશરના કારણે થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બદલી થકી નેતા અને મહેસાણાના અગ્રણીના પરિચતને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મહેસાણાના IELTS પરીક્ષા કૌભાંડમાં મહેસાણા SOG પીઆઈ ભાવેશ રાઠોડની બદલી થઇ ગઇ છે. SOG પીઆઈ ભાવેશ રાઠોડ IELTS પરીક્ષા કૌભાંડની તપાસ કરી રહ્યા હતા અને અચાનક તેમની બદલી અમદાવાદ ગ્રામ્યમાં કરી દેવામાં આવી છે. જો કે રાજકીય પ્રેશરના કારણે આ બદલી થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. IELTS પરીક્ષા કૌભાંડમાં નેતા અને મહેસાણાના અગ્રણીના પરિચતને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા હોય તેવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.
મહેસાણામાં ELTS પરીક્ષામાં 8 બેન્ડ મેળવી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા ચાર યુવકોને પોલીસે દબોચી લીધા હતા. ત્યારે આ મામલે મહેસાણા SOG પોલીસને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદની (Ahmedabad) પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાના મેનેજર સહિત બે કર્મચારીઓની મહેસાણા SOG પોલીસે (Mehsana SOG Police) પૂછપરછ કરી છે. સંસ્થા દ્વારા માત્ર પરીક્ષા માટે સ્થળ નક્કી કરાયા હોવાનું જણાવાયું છે. તો બીજી તરફ અમદાવાદની કુલ 9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે તેડું મોકલ્યું છે. બીજીતરફ પરીક્ષાની તમામ કામગીરી ગુડગાંવ હેડ ઓફિસથી થતી હોવાનું સામે આવતાં SOGની ટીમે ગુડગાંવમાં ધામા નાખ્યા છે. આતરફ નવસારીમાં પણ લેવાયેલી પરીક્ષાના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
મહેસાણાના ચાર યુવક ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલે તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ મેળવી કેનેડા પહોંચી ગયા હતા. જ્યાંથી 28 એપ્રિલના રોજ બોટ મારફતે અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે નદીમાં ડૂબી રહેલા યુવકોને અમેરિકન પોલીસે બચાવી લીધા હતા અને અમેરિકન કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન યુવકો અંગ્રેજી બોલી ન શક્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો..બીજી તરફ અમેરિકાની કોર્ટે ચારેય યુવકોને ભારત પરત મોકલવાનો આદેશ કર્યો છે. નવસારીના સેન્ટરમાં IELTSની પરીક્ષા અપાવીને ચારેય યુવકોએ 8 બેન્ડ મેળવી લીધા હતા. નવસારીની હોટલ ફન સિટીના બેંકવેટ હોલમાં સપ્ટેમ્બર 2021માં ચારેય વિદ્યાર્થીઓએ IELTSની પરીક્ષા આપી હતી.