મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોઠડા ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી આધારિત ગાય પાલનથી એક નવો જિલ્લો ચીતરી રહ્યા છે. ગોઠડા ગામના ખેડૂતો પટેલ ડાયાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને મતલબ કમાણી કરી રહ્યા છે. ગાયના ગૌમૂત્ર અને પ્રાકૃતિક ખેતી એમનો જીવન મંત્ર બને છે એટલું જ નહીં પણ આ આધારે તેઓ અન્યના માર્ગદર્શક બનીને સૌના પ્રેરક પણ બન્યા છે.
ડાયાભાઈના શબ્દોમાં જ એમની સફળતાની વાત જાણીએ તો કુલ 6 વીઘા જમીનમાંથી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત 1.5 વીઘા જમીનમાં તરબૂચનો પાક લીધો છે. કેમિકલના ઉપયોગથી ખેતી આવક રૂપિયા 1.80 લાખ હતી જેમાં ખર્ચ રૂ.75,000 અને નફો:- 1,05 લાખ હતો. જ્યારે પ્રાકૃતિક ખેતીના ઉપયોગ થી ખેતી આવક રૂ.1.65 લાખ અને ખર્ચ રૂ.25,000 જ્યારે નફો રૂ.1.40 લાખ મેળવ્યો છે.
ડાહ્યાભાઈ દેવાભાઈએ જણાવ્યું હતું કે તરબુચના પાકમાં ટપક પધ્ધતિ, મલ્ચિંગ અને પ્રાકૃતિક ખેતી દ્રારા ઉત્પાદન વધુ તથા સારી ગુણવતાવાળો પાક મેળવું છું
ડાહ્યાભાઇના જણાવ્યા પ્રમાણે પહેલા ખેતીમાં આડેધડ રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરતો હતો અને ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતા આવક ઓછી અને ખર્ચ વધુ થતો હતો. આત્મા યોજનાના સ્ટાફ પાસેથી જાણકારી મેળવી FIG ગ્રુપ બનાવી આત્મા સાથે જોડાયા અને આત્મા યોજના દ્રારા તાલીમ, પ્રેરણા પ્રવાસ, નિદર્શન, ફાર્મ સ્કુલ જેવી પ્રવૃતિઓમાં ભાગ લીધો અને વિશેષ જાણકારી મેળવી.
આત્મા યોજના દ્રારા આયોજિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ લીધો અને તેમાં મિશ્ર પાક, કુદરતી મલ્ચિંગ, જીવામૃત, બીજામૃત, દશપર્ણ અર્કે વગેરેની જાણકારી મેળવ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની ઈચ્છા થઇ. રાસાયણિક ખેતી પધ્ધતિમાં ખેતી ખર્ચ વધુ આવતો અને જમીનની ફળદ્રુપતા પણ બગડી હતી.
પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, મકાઈ, તરબુચ અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કર્યું. ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો અભિગમ અપનાવ્યો. ધીરે ધીરે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરીને છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ શરૂ કર્યો. જીવામૃત જાતે બનાવીને જમીનમાં આપવાનું શરૂ કર્યું. અમૃતમ બેક્ટેરિયા, જીવામૃત, ખાટી છાશ, લીમડાનું તેલ, ગૌમુત્રનો ઉપયોગ ચાલુ કર્યો. જીવાત સામે રક્ષણ મેળવવા નીમાસ્ત્ર, દસ પર્ણ અર્ક, બ્રહ્માસ્ત્ર, વગેરે વાપરવાની શરૂઆત કરી.
પ્રાકૃતિક ખેતીની મદદથી ફળના ભાવ ગુણવતા સુધારતા ભાવ સારા મળ્યા અને નફો વધ્યો. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચ ઘટે છે અને તૈયાર થયેલા પાકની ગુણવતામાં પણ સુધારો થાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:18 pm, Fri, 31 March 23