મહેસાણા (Mehsana) જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય જનતાની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ (Traffic police) સજ્જ બની છે. એટલુ જ નહીં સામાન્ય જનતામાં ટ્રાફીક અવેરનેસ (Traffic awareness) આવે તે માટે બેદરકારીથી વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં 157 જેટલા વાહન ચાલકોની વિરૂદ્ધ બેદરકારી દાખવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ઓવર સ્પીડમાં અને બેદરકારીથી વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા લોકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવા વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેમજ વારંવાર ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ પગલા પણ લેવાયા છે. જેથી નિયમ ભંગ કરનાર વ્યક્તિ રોડ સેફટી અંગેનું મહત્વ સમજે. આમ છતાં પણ નિયમોનું ભંગ કરનારા વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
છેલ્લા એક મહિનામાં મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડથી વાહન ચલાવનારા 157 લોકો સામે કાર્યવાહી કરી છે. આ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી કુલ રુ. 3 લાખ 14 હજાર જેટલો દંડ વસુલ કર્યો છે. બેદરકારીથી વાહન ચલાવતા સામે કેટલાક વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વાહનચાલકોના લાયસન્સ મહેસાણા R.T.Oને કાર્યવાહી માટે રીપોર્ટ કરવામાં આવ્યા છે.
આમ મહેસાણા જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ આવે અને રસ્તા પર અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા ટ્રાફીક પોલીસ ભવિષ્યમાં પણ આ પ્રકારે બેદરકારી દાખવનારા વાહન ચાલકો વિરૂદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી કરવાના છે.
ટ્રાફિક પોલીસની આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં પીએસઆઈ કે.બી.લાલકા, એએસઆઈ નિતીનભાઈ હરજીવનભાઇ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, હેડ કોન્સ્ટેબ જગદીશભાઇ સહિતનાઓ જોડાયેલા રહ્યા છે. ટ્રાફીક નિયમભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બદલ તેમની કામગીરીની સરાહના થઇ રહી છે.
આ પણ વાંચો- ખાદ્ય તેલમાં એક જ દિવસમાં રુપિયા 20થી 40 સુધીનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2400 રુપિયા નજીક પહોંચ્યો