ગુજરાતમાં (Gujarat) રાજસ્થાનની(Rajasthan) આદિવાસી વિસ્તારની યુવતીઓને (Human Trafficking) ફોસલાવીને ગુજરાતમા વેચવાના રેકેટને રાજસ્થાન પોલીસે ઝડપી પાડયું છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી 3 આરોપીઓ ની પણ રાજસ્થાન પોલીસે ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં દલાલો મારફતે રાજસ્થાનની આદિવાસી યુવતીઓ ગુજરાતમાં વેચવામાં આવતી હતી. જેનો મોટો પર્દાફાશ થયો છે. આ ઘટનાની વિગત મુજબ રાજ્યમાં એવા ઘણા યુવકો હશે જેમના લગ્ન થતા નહી હોય. ત્યારે આવા યુવકોને ભોળવી પૈસા પડાવીને રાજસ્થાન માંથી આદિવાસી યુવતી લાવી માનવ તસ્કરી કરવાનું રેકેટ રાજસ્થાનના પિંડવાડા પોલીસે ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના પિંડવાડા પોલીસે આદિવાસી વિસ્તારની બે સગીરાને નોકરી આપવાના બહાને ફોસલાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી હતી.
જે આરોપીઓની પૂછપરછમા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં આદિવાસી વિસ્તારની યુવતીઓ દલાલો મારફતે ગુજરાતમાં વેચતા હોવાનુ રેકેટ ખુલ્યું હતું. જેમાં રાજસ્થાનમાં રહેતા ગુજરાતના ગાંધીનગરના માણસા તાલુકાના બિલોદરા ગામના માસ્ટર માઈન્ડ વિનુંજી ઉર્ફે વનરાજ દલપૂજી ઠાકોર દ્વારા મહેસાણાના ખેરાલુના મલેકપુર ગામની રમીલાબેન ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર અને અન્ય દલાલો મળીને રાજસ્થાનના પિંડવાડા અને તેની આસપાસના આદિવાસી ગરીબ યુવતીઓને ફોસલાવી ને ગુજરાતમાં વેચી દેવામાં આવતી હતી. પોલીસે પકડેલા આરોપી પૈકી વીનુજી ઠાકોર ભોગ બનનાર સગીરાને પોતાની સાથે રાખીને વારંવાર દુષ્કર્મ પણ આચરતો હતો.
આ રેકેટ મા રાજસ્થાનના પિંડવાડા પોલીસે મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુરની રમીલા ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર, ગાંધીનગર ના માણસા તાલુકાના બિલોદરા ના વિનુજી ઉર્ફે વનરાજ દલપુજી ઠાકોર અને પાટણ ના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા નો દલપત ઉર્ફે ગણપતિયા ધુલાભાઈ રાવળની ધરપકડ કરી ને જેલ હવાલે કરી દીધા છે. અને આ ગેંગ ના વધુ એક આરોપી ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ રેકેટમા આદિવાસી મહિલાઓ કયા કયા વેચવામાં આવી છે તેની તપાસ પણ રાજસ્થાન પોલીસે હાથ ધરી છે.મહેસાણાના ખેરાલુના મલેકપુર, પાટણના સિદ્ધપુર અને માણસાના બિલોદ્રાથી 3 આરોપીઓ પકડાયા છે.