રાજ્યમાં કોરોના કેસ (Corona case) ઘટી રહ્યા છે, દર્દીઓ સાજા થઈ રહ્યા છે આવા અહેવાલો આપણે વાંચી અને સાંભળી રહ્યા છીએ, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓમિક્રોન (Omicron)હવે ગળાથી નીચે ઉતરી ફેફસા સુધી પહોંચી રહ્યો છે અને તેની અસર ગંભીર થતી જઇ રહી છે. રાજકોટ (Rajkot) માં કોરોના ક્રિટિકલ કેરના નિષ્ણાત તબીબોએ આ માટે ચેતવણી પણ આપી છે.
કોરોનાને હજુ પણ હળવો સમજવો એ સંકટને સામેથી આમંત્રણ આપવા બરાબર છે. કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દર્દીઓ સાજા થઈ રહ્યા છે એવા દાવાઓ સામે હવે કોરોના મોટો પડકાર ફેંકી રહ્યો છે. કારણકે ઓમિક્રોન વેરિયન્ટમાં નાનો ફેરફાર સામે આવ્યો છે. જે મુજબ ઓમિક્રોન વેરિઅન્ટનો વાઇરસ ગળા-નાક પૂરતો સીમિત નહીં રહેતો હવે તે ફેફસાં સુધી પહોંચી જાય છે.
રાજકોટમાં મહિના પહેલાં સામાન્ય લક્ષણો સાથે કોરોના કેસોનો વિસ્ફોટ થયા બાદ હવે કોરોના દર્દીને ગંભીર બનાવી રહ્યો છે. જેને કારણે દર્દીને ઓક્સિજન પર, વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી રહી છે. કોરોના ક્રિટિકલ કેરના નિષ્ણાત તબીબો ચેતવણી આપતાં કહે છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી દાખલ દર્દીના રિપોર્ટમાં લિમ્ફોસાઇટ્સ ફરી ઓછા દેખાવા લાગ્યા છે તેમજ CT સ્કોર પણ વધ્યો છે. હવે વાઇરસ ગળા-નાક પૂરતો સીમિત નહીં, પણ ફેફસાં સુધી પહોંચ્યો છે, જેના કારણે કોરોનાથી મોતના પ્રમાણમાં વધારો થયો છે. આવા કેસમાં ખાસ કરીને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ગંભીર બીમારી હોય, મોટી ઉંમરના હોય, આ તમામે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
કોરોના ક્રિટિકલ કેરના નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર કોરોનાના નવા વેરિયન્ટમાં ખાસા બદલાવ આવ્યા છે જે જોખમ વધારી રહ્યા છે. જેમકે કોરોનાને કારણે શ્વેતકણોમાં ઘટાડો થાય છે. ન્યુટ્રાફિલ્સમાં વધારો થાય છે, દર્દીના બ્લડ રિપોર્ટમાં CRPમાં વધારો, CT સ્કોરમાં પણ વધારો, વાયરસ ફેફસાં સુધી પહોંચવો જેવા બદલાવ સામે આવી રહ્યા છે. જેના કારણે કોરોનાથી મોતના પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે.
નિષ્ણાત તબીબના જણાવ્યા અનુસાર આ વેરિયન્ટમાં માઇનોર ચેન્જીસમાં દર્દીના રિપોર્ટમાં લિમ્ફોસાઇટ્સ પાછા ફરી ઓછા દેખાવા લાગ્યા છે, જેને વેલિનોફોકેનિયા કહેવામાં આવે છે. આવા દર્દીઓને ઇન્ડોર કરી ઓક્સિજન પર રાખવા પડે છે અને તેમને ઇન્જેક્શનો આપવાં પડે છે. આ બદલાવને કારણે મોટી ઉંમરના અને કો-મોર્બિડ દર્દીઓ રિવર્સ આઇસોલેટ થવું ખૂબ જરૂરી છે.
20 દિવસ પહેલાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારે જ વિશ્વના તજજ્ઞોએ ઓમિક્રોનના નવા વેરિયન્ટને માઈલ્ડ નહીં ગણવા ચેતવણી આપી હતી. આ વખતે રાજકોટમાં 99 ટકા દર્દીઓને હોસ્પિટલની જરૂર જ પડતી નહોતી અને હોસ્પિટલમાં પણ તેમને ઓક્સિજનની જરૂર પડતી નહોતી, પરંતુ, હવે સ્થિતિ બદલાઈ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 40 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે અને રોજ બે-ત્રણ દર્દીને વેન્ટિલેટર પર રાખવા પડે છે અને કોરોનાથી ક્યારેક મૃત્યુ પણ નોંધાય છે. આ સ્થિતિ જોતાં ડોક્ટર્સની સલાહ છે કે નાગરિકોએ હજી પણ કોરોનાને હળવાશથી લેવો ન જોઈએ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-