ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક મોટો આંચકો લાગ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કોંગ્રેસના નેતા અને આદિવાસી નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે.તેમણે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરએ પત્ર લખીને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતો પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસ નેતા મોહન રાઠવાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
રાઠવાને ભારતીય જનતા પાર્ટીના મિડીયા સેન્ટર ખાતે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, અને પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં. ત્યારબાદ ભાર્ગવ ભટ્ટે મોહનસિંહ રાઠવાનો રાજકીય અને વ્યક્તિગત પરિચય કરાવ્યો હતો. મોહનસિંહ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા સમયે પત્રકારો સાથે વાત ચીત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય આજે મને જોવાનો અવસર મળ્યો છે તે મારૂ સદભાગ્ય છે. કોંગ્રેસ પાર્ટી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું તેમ છતા સમય સમય બળવાન હોવાના કારણે મેં કોંગ્રેસ પાર્ટી છોડી છે. આજે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડનાર દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો.
મોહનસિંહ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિકાસની હરણફાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ તેજ ગતિથી કરવા જઇ રહી છે અને મોદી સાહેબ સાથે મારી લાગણી અને વિશ્વાસ જોડાયેલ છે અને તેના કારણે જ હું આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું. મારે કોઇ સાથે અણ બનાવ કે કોઇની સાથે વિરોધ નથી, પરંતુ તાજેતરમાં આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના અમલી કરી છે તેનાથી હું પ્રભાવીત થયો છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મને કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવાની નથી તેવું કહેવામાં આવેલ નથી તેમ છતાં મારી નવી પેઢીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવાનું મન બનાવી લીધેલ હોવાથી હું મારા બંન્ને પુત્રો અને સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.. મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી મારે કોઇ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા નથી.
Published On - 4:31 pm, Tue, 8 November 22