જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત
આજે સવારે જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે
ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર મેળો યોજવા માટે પરવાનગી આપે તેવી સંભાવના હતી ત્યારે આજે જૂનાગઢના કલેક્ટરે મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે જેના કારણે ભક્તોમાં ખૂશી ફેલાઈ છે.
આજે સવારે જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે. બેઠકમાં નક્કી થયા પ્રમાણે મેળાના આયોજન માટે અલગ અલગ સમિતીઓ બનાવવામાં આવાશે અને તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીનો સૌથી સારો મેળો યોજાશે.
બીજી બાજુ મહાશિવરાત્રીના મેળાને લઈને છેલ્લા થોડા દિવસોથી જૂનાગઢમાં ધીમે ધીમે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. પાછલા બે વર્ષથી આંશિક રીતે યોજાતા મેળાને લઈને હવે ભવનાથમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મેળો પુર્ણરુપે થાય તે માટે સાધુ સમાજે માગણી કરી હતી અને જૂનાગઢ મનપાએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.
આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.
મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. મેળાને હવે માંડ દસ દિવસ બાકી છે ત્યારે કલેક્ટરની મંજૂરી મળતાંની સાથે જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા