RAJKOT : બેડી APMCની ચૂંટણી પહેલા કિસાન સંઘે જયેશ રાદડિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

જો કે રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કિસાન સંઘના આરોપોને પાયા વિહોણા ગણાવ્યાં છે.

RAJKOT : બેડી APMCની ચૂંટણી પહેલા કિસાન સંઘે જયેશ રાદડિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ
Kisan Sangh has leveled serious allegations against Jayesh Radadia Before the Bedi APMC elections in Rajkot
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:48 PM

RAJKOT : રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની આવતીકાલે 5 ઓક્ટોબરે ચૂંટણી છે.ચૂંટણીના એક દિવસ પહેલા ભારતીય કિસાન સંઘે જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ કરતા રાજકારણ ગરમાયું છે.કિસાન સંઘે જે વિડીયો વાયરલ કર્યો છે તે પડધરી તાલુકાના ફતેપુર ગામનો છે જેમાં બેડી યાર્ડની ચૂંટણીના પ્રચાર દરમિયાન જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે તમે જેને મત આપ્યો હશે તે હું બે મહિના પછી પણ જોઇ શકીશ. ભારતીય કિસાન સંઘે જયેશ રાદડિયાના આ નિવેદનને ખેડૂત મતદારોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે ચૂંટણી અધિકારીને ફરીયાદ પણ કરી હતી.

જયેશ રાદડિયા મતદારોને ધમકાવે છે : દિલીપ સખિયા
આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને બેડી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત પેનલના ઉમેદવાર દિલીપ સખિયાએ કહ્યું હતુ કે જયેશ રાદડિયા ખેડૂતોને ધમકાવી રહ્યા છે.યાર્ડની ચૂંટણીમાં ભારતીય કિસાન સંઘના પ્રવેશથી તેઓ ડરી ગયા છે અને તે ડરથી તેઓ હવે મતદારોને ધમકાવવા લાગ્યા છે.પોતે મતદાન કોને કર્યુ તે જોઇ શકશે તેવું કહીને મતદાનની ગુપ્તતાનો ભંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.દિલીપ સખિયાએ વધુમાં કહ્યું હતુ કે જયેશ રાદડિયા વિઠ્ઠલભાઇના પુત્ર છે જેથી તેઓએ ખેડૂતોને ધમકાવવાના બદલે ખેડૂતોના હિતમાં મતદાન કરે તેવું કહેવું જોઈએ.

તમામ આક્ષેપો પાયાવિહોણા : જયેશ રાદડિયા
આ અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે કિસાન સંઘ દ્વારા જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.યાર્ડની ચૂંટણીમાં મતદારો મંડળીના સભ્યો હોય છે અને તે સિલેક્ટેડ હોય છે.મતદારોને ધમકી આપવાના સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે તેઓ 30 વર્ષથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે.તેથી તમામ ખેડૂતો સાથે તેઓ એક સબંધથી જોડાયેલા છે જેથી ધમકી આપવાની કોઇ વાત નથી.

તેમણે મતદાનની ગુપ્તતા જળવાય રહેશે પરંતુ મર્યાદિત મતદારો હોવાથી મતદાનનું મૂલ્યાંકન કરીએ ત્યારે કઇ મંડળીએ કોને મત આપ્યો છે તેની માહિતી મળી જતી હોય છે.ભારતીય કિસાન સંઘને જવાબ આપવા મામલે જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે ભારતીય કિસાન સંઘના નેતાઓ મિડીયામાં રહીને ખેડૂત નેતા બનવા માંગે છે જેથી એક દિવસ પહેલા તેઓ મિડીયામાં રહેવા માટે આવા વિવાદ ઉભા કરે છે.

આ પણ વાંચો : ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વિડીયો વાયરલ, “યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું”

આ પણ વાંચો : Gandhinagar : પાટીદાર સમાજની ચિંતન બેઠક, અનામતનો લાભ આપવા મુદ્દે ચર્ચા થઇ

Published On - 4:46 pm, Mon, 4 October 21