
ખેડા જિલ્લાના પરિયેજ વિસ્તારમાં સારસ પક્ષીની સંખ્યા સંખ્યા 900 થી વધુ નોંધાઈ છે. વિશ્વમાં માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયામાં જ સારસ ક્રેન જોવા મળે છે. વિશ્વનાં સૌથી ઊંચા ઊડતા પક્ષી ભારતીય સારસ ક્રેન (Grus Antigone)ને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) રેડ લિસ્ટ હેઠળ નિર્બળ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
પરંપરાગત રીતે સારસ જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્સ)માં અને માનવીઓ સાથે રહે છે અને ખોરાક તથા પ્રજનન માટે કૃષિ વિસ્તારોનો ઉપયોગ કરે છે. વેટલેન્ડ્સની ઘટતી જતી સંખ્યા અને વર્તમાન વસાહતોનાં વિનાશને કારણે સારસની સંખ્યા ઘટી રહી હોવાનું કહેવામાં આવે છે. આ પ્રજાતિ સંરક્ષિત વિસ્તારની બહાર જોવા મળે છે અને તેનાં અસ્તિત્વ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે માનવીય સહનશીલતા પર આધારિત છે.
એક સમયે સારસ ક્રેનની વસતી ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પાયે ફેલાયેલી હતી, પણ જમીન વપરાશમાં પરિવર્તન આવતાં મોટાં ભાગનાં સારસે પોતાનું કુદરતી નિવાસ ગુમાવ્યું અને પોતાનાં અસ્તિત્વ માટે કૃષિ વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું. ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ સારસ ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં છે. આ પ્રજાતિ કુદરતી વેટલેન્ડ્સ બાદ પ્રજનન વસાહત તરીકે ડાંગરના ખેતરોને પસંદ કરે છે.
માનવ વસતિ સાથે નજીકથી જોડાયેલા હોવાને કારણે અન્ય પ્રજાતિઓની જેમ સારસને પણ માનવજાતની ગેરમાન્યતા અને વર્તણુંકને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપીને અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટની સકારાત્મક અસર જોવા મળી છે. 2015-16માં સારસની વસતિ 500 હતી, જે વધીને 2021-22માં 992 થઈ છે.
સાતમા વર્ષમાં પ્રવેશેલા આ પ્રોજેક્ટે 40 ગામોમાં 88 ગ્રામીણ સારસ સંરક્ષણ ગ્રૂપનું નેટવર્ક ઊભું કર્યું છે. તેનાં દ્વારા 23,000 વિદ્યાર્થીઓ અને 5000થી વધુ ખેડૂતોને સારસ સંરક્ષણ અંગે શિક્ષિત કરવામાં આવ્યા છે. સારસ સંરક્ષણમાં સામુદાયિક ભાગીદારી દ્વારા નિર્મિત આ જાગૃતિ કાર્યક્રમોને કારણે સારસનાં માળામાં અને પ્રજનનમાં વધારામાં સફળતા મળી છે.
સારસનાં માળા તથા વસતિનાં નવા સ્થળો પણ ધ્યાનમાં આવ્યા છે. ખેડૂતો સાથે સંકળાયેલી કંપની હોવાથી યુપીએલ ખેડૂતોને ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPC) ની રચના કરીને અને તેમની ઉપજનાં સારા ભાવ અપાવીને તથા વૈવિધ્યીકરણમાં સાથ આપીને તેમને મદદ કરી રહી છે.