પૂ.રવિશંકર મહારાજના સેવા કાર્યોમાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇએ : સાંસદ સી.આર.પાટીલ
પૂજ્ય રવિશંકર મહારાજની (Ravishankar Maharaj) 138મી જન્મજયંતિ (Birth anniversary)નિમિતે આજે મહેમદાવાદથી પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણી સુધી વિચાર યાત્રા-2022 પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C.R.Patil)ઉપસ્થિત રહ્યા હતા.
“ઘસાઇને ઉજળા થઇએ, બીજાને ખપમાં આવીએ” સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પૂજ્ય રવિશંકર મહારાજના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇ જવું જોઇએ તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે પૂજ્ય રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ ખાત્રજ ચોકડી થી પૂજ્ય રવિશંકર મહારાજના વતન સરસવણી સુધીની ૨૦ કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું કે પૂજ્ય રવિશંકર મહારાજએ ૬ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ કરી પ્રજામાં જન જાગૃત્તિ ફેલાવી ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓશ્રીએ કોઇપણ જાતના સત્તાના મોહ વગર સમર્પણની ભાવનાથી ગુજરાતની પ્રજા માટે કામ કર્યુ છે. રાજ્યને સમૃધ્ધ બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. ભૂમિદાન મેળવવામાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પાટીલના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. તેમજ સેવાકાર્યો કરનાર તમામ સંસ્થાઓ/વ્યક્તિઓને અભિનંદન પાઠવી બાકીના લોકોએ તેમનામાંથી પ્રેરણા લઇ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં પદયાત્રાની માહિતી આપી પૂજ્ય રવિશંકર મહારાજના વિચારો અને કાર્યોને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂજ્ય રવિશંકર મહારાજના જીવન ઉપર લખાયેલ ‘લોકરૂષિ’ પુસ્તિકાનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયુ હતું. દેશભરમાં ચાલી રહેલ પલ્સ પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે યોજાયેલ પલ્સ પોલિયો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવી પ્રારંભ કરાવ્યો હતો.
યુક્રેનમાં ફસાયેલાં ભારતીય નાગરિકોને પરત લાવવા સરકાર કામ કરી રહી છે: સી.આર .પાટીલ
હાલ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓને સી આર પાટીલે હૈયાધારણા આપતાં જણાવ્યું હતું કે હું તમામ વાલીઓને વિશ્વાસ અપાવું છું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને સુરક્ષિત ભારત પાછા લાવીશું પાટીલ જણાવ્યું હતું કે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ અને એમ્બેસીને પણ જરૂરી સૂચનાઓ આપીએ છીએ, યુક્રેનમાં હાલ આખા દેશના અને ગુજરાત સહિત હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા છે એ તમામને સહી સલામત ભારત પરત લાવવા ભારત સરકાર કટિબદ્ધ છે, અને તમામ બાળકોને ભારત સરકાર સુરક્ષિત પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહી છે, જોકે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થાય પણ સરકાર તેનાથી વધુ ચિંતિત છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન, પૂજ્ય રવિશંકર મહારાજના પૌત્ર કૃપાશંકર, સહિત પદયાત્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 5:33 pm, Sun, 27 February 22