Gujarat : કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી, ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવાયો

|

Aug 31, 2021 | 9:17 AM

રાજ્યના કૃષ્ણમંદિરોમાં કાનુડાનો જન્મદિવસ ઉજવાયો. કોરોના બાદ બે વર્ષે શ્રી હરીની ઉજવણીમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

રાજ્યના કૃષ્ણમંદિરોમાં કાનુડાનો જન્મદિવસ ઉજવાયો. કોરોના બાદ બે વર્ષે શ્રી હરીની ઉજવણીમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ડાકોર, દ્વારકા, અમદાવાદ ઇસ્કોન મંદિર અને સુરત ઈસ્કોન મંદિરમાં મુરલી મનોહરના જન્મોત્સવમાં ભાવીક ભક્તો ઉમટ્યા. મંદિરોમાં શ્રદ્ધાળુઓએ કૃષ્ણ જન્મના અનેરા દર્શન કરી ધન્યતા અનુભવી.

દ્વારિકામાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ

દેવભૂમિ દ્વારકામાં વાલાના વધામણા સાથે ભક્તો કૃષ્ણમય બની ગયા હતા. દુલ્હનની જેમ શણગારાયેલી દ્વારકા નગરી અને રોશનીથી ઝળહળટું દ્વારકા મંદિર કૃષ્ણમય બની ગયું હતું. જાણે કાનુડો સ્વયં પૃથ્વી પર આવ્યો હોય તેમ ‘હાથી, ઘોડા, પાલખી; જય કનૈયા લાલ કી’ તથા ‘જય રણછોડ, માખણચોર’નો ગગનભેદી નાદ વાતાવરણને અલૌકિકતા અને ધન્યતા પ્રદાન કરાવી રહ્યો હતો. વાલાના વધામણા બાદ લાખો ભક્તો જાણે શ્રીકૃષ્ણના સાંનિધ્યમાં ધન્યતા અને કૃષ્ણના વૃંદાવનની અનુભૂતિ કરી રહ્યા હોય તેમ ભાવવિભોર બની ગયા. લાલાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો અને કૃષ્ણની ધૂન ગૂંજતી રહી.

ડાકોરમાં જન્માષ્ટમીનો ઉન્માદ

‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના પ્રચંડ નાદ સાથે લાખો કૃષ્ણભક્તોએ ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં વાલાના જન્મના વધામણા કર્યા.જન્માષ્ટમી પર્વને લઇને ડાકોરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઠાકોરના વિવિધ સ્વરૂપોના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્ય થયા હતા. જન્મ બાદ રણછોડના મનમોહક સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ લાલ કી’ના ગગનભેદી નાદ સાથે ડાકોર શ્રીકૃષ્ણના રંગમાં રંગાઇ ગયું. મંદિર પરિસરને આબેહૂબ તોરણો તેમજ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારિકાનો નાથ ડાકોર ખાતે પધાર્યા હતા, ત્યારે જાણે આજે ફરી ભગવાન સાક્ષાત ડાકોરમાં પધાર્યા હોય તેવી રીતે ભક્તોએ હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી.

તુલસીશ્યામમાં અનેરો ઉત્સાહ

સૌરાષ્ટ્રના ગીર જંગલ વચ્ચે બિરાજમાન તુલસીશ્યામ તીર્થધામ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. અહીં પણ ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તો કૃષ્ણ જન્મ વખતે ભાવ વિભોર થયા હતા. અહીં આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગીરના જંગલ નંદ ઘેર આનંદ ભયોના નારા ગૂંજી ઉઠ્યા હતા.

અમદાવાદના ભાડજ શ્રી હરિ મંદિરે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં પણ ભક્તોની ભીડ જામી હતી. લોકો કાનાના જન્મ સમયે ભાવવિભોર થયા હતા. લોકોએ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.

Next Video