ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor) રણછોડજી મંદિરમાં રાજ્ય અને દેશ વિદેશથી ભાવિક ભક્તો રાજા રણછોડજીના દર્શન કરવા આવતા હોય છે. જેટલું મહત્વ ડાકોર મંદિરનું છે, તેટલું જ મહત્વ ડાકોર મંદિરની સામે આવેલા ગોમતી તળાવ (Gomti Lake) નું છે. એક પરંપરા પ્રમાણે ડાકોર દર્શન કરવા આવનાર ભાવિક ભક્તો પહેલા ગોમતી તળાવમાં સ્નાન કર્યા બાદ ભગવાનના દર્શન કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ડાકોરનું ગોમતી તળાવ દુષિત તો થયું જ છે સાથે સાથે તળાવમાં વેલનું સામ્રાજ્ય એટલી હદે વધી ગયું છે કે ભાવિક ભક્તો તળાવની ગંદકી જોઈ માત્ર હાથ પગ ધોઈ મંદિરે પહોંચી જવા મજબુર બન્યા છે.
સ્થાનિક નાગરિકો દ્વારા અવાર નવાર ડાકોર નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને ગોમતીજી તળાવમાંથી ગાંડી વેલ હટાવવાની રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ડાકોરના યુવાનોએ ગોમતી તળાવને સ્વચ્છ (clean) કરવાનું બીડું ઝડપ્યું છે. જેમાં ડાકોરના જાગૃત યુવાનો પોતાનું નિત્ય કાર્ય પતાવી સાંજે ચારથી સાત વાગ્યા સુધી ગોમતી તળાવ પાસેની ગંદકી સાફ કરી રહ્યા છે. યુવાનોએ ધાર્મિક અને આદ્યાત્મિક ધરોહરનું મૂલ્ય સમજી ગોમતી તળાવને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. જે કાર્ય સમાજમાં એક નવો ચીલો ચીતરી રહ્યું છે.
ડાકોરના યુવાનોએ પોતાની જવાબદારી સમજી ગોમતી તળાવમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે જેમાં ડાકોર નાં 15 જેટલા યુવાનો જોડાયા છે. આ જાગૃત યુવાનો દ્વારા ડાકોરના અન્ય યુવાનો પણ આ ભગીરથ કાર્યમાં જોડાય તેવી વિનંતી કરવામાં આવી છે. ડાકોરના ગોમતી તળાવને સ્વચ્છ કરવામાં સહભાગી બને જેથી ડાકોર ગોમતી તળાવ તેનું પુનઃ કુદરતી સૌંદર્ય પ્રાપ્ત કરી શકે.
ડાકોરનું જાગૃત યુવાધન પોતાની ગામના ધરોહર સમાન તળાવને ગંદકીથી બચાવવાની જવાબદારી સ્વીકારીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે.
આ ભગીરથ કાર્યમાં 15 જેટલા યુવાનો ત્રણ દિવસથી ગોમતી સ્વચ્છતા માટે એકત્ર થયા છે સાથે સાથે અન્ય યુવાનો પણ આ કાર્યમાં સહભાગી બને તેવી વિનંતી પણ કરવામાં આવી છે.
ડાકોરના યુવાનોએ ભલે તળાવની ગંદકી સાફ કરવાનું બીડું ઝડપ્યું હોય, પણ જો પાલિકાના સત્તાધીસોને સહેજ પણ શરમ આવતી હોય તો ત્વરિત પાલિકાના સાધનો અને કર્મચારીઓની મદદથી તળાવની ગંદકી દૂર કરવી જોઈએ તેવો મત સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓનો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત
આ પણ વાંચોઃ અમદાવાદમાં હવે વેઈટરની જગ્યા લીધી રોબોટે, આ કેફેમાં શરૂ કર્યુ સર્વ કરવાનું કામ
Published On - 12:44 pm, Mon, 14 February 22