આડેધડ વાહનો પાર્ક કરનારાઓ સાવધાન ! નડિયાદ બસ સ્ટેન્ડની આસપાસ વાહનો મુકનારાના વાહનો થઇ જશે ટો

છેલ્લા ઘણા સમયથી નડિયાદના (Nadiad) બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. જેથી નડિયાદ ટ્રાફિક વિભાગ દ્વારા અંતે કડક વલણ અપનાવવામાં આવ્યુ છે.

આડેધડ વાહનો પાર્ક કરનારાઓ સાવધાન ! નડિયાદ બસ સ્ટેન્ડની આસપાસ વાહનો મુકનારાના વાહનો થઇ જશે ટો
Nadiad Bus stand (File Image)
| Edited By: | Updated on: Jun 15, 2022 | 6:17 PM

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ (Nadiad) શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને નડિયાદ એસટી બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળતો હોય છે. જેના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાય છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા તંત્રએ ડ્રાઇવ શરુ કરી છે. જે મુજબ 15 જૂન એટલે કે આજથી જ નડિયાદ બસ સ્ટેન્ડની (Nadiad bus stand) આસપાસ 5 કિમીના વિસ્તારમાં આડેધડ વાહનો મુકનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નડિયાદના ટ્રાફિક વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટોઈંગ કરવાનું જાહેરનામું

છેલ્લા ઘણા સમયથી નડિયાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. જેથી નડિયાદ ટ્રાફિક વિભાગ દ્વારા અંતે કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. નડિયાદ ટ્રાફિક વિભાગ દ્વારા બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજયાના વિસ્તારમાં 15 જૂન 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી આડેધડ વાહનો પાર્ક કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાંના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે મોટર વ્હીકલ એક્ટની કલમ-127 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં કાર્યવાહી

જાહેરનામાનો ભંગ થશે તો નડિયાદ શહેરમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિકને અડચણ થતાં વાહનો જેવા કે ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર (કાર, જીપ અને ટેમ્પો) ના વાહનો માલિકો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ટ્રાફિક પોલીસને આ માટે ટોઇગ વાન થકી વાહનો ટોઇંગ કરીને દંડ વસુલવાની સત્તા પણ આપવામાં આવી છે. આજથી 6 માસ સુધી 5 કિલોમીટરની ત્રિજ્યામાં જાહેરનામુ અમલમાં રહેશે. અવરજવરને અડચણરૂપ બને તે પ્રમાણે ગમે ત્યાં મુકાયેલા વાહન ટોઇંગ કરી દંડ ફડકારવામાં આવશે.

નડિયાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહેતી હોય છે. ચોમાસામાં આ સમસ્યા વધી જતી હોય છે. ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા લેવાયેલો આ નિર્ણય નડિયાદની જ જનતા માટે હિતકારક રહી શકે છે. સામાન્ય રીતે એસટી બસ સ્ટેન્ડમાં સ્વજનને મુકવા આવેલા વ્યક્તિ પોતાના પ્રાઇવેટ વાહનો એસટી બસ સ્ટેન્ડની આસપાસ પાર્ક કરી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થતી હોય છે. ત્યારે નડિયાદ ટ્રાફિક વિભાગનો આ નિર્ણય લોકોને ફાયદારુપ નીવડી શકે છે.