કર્ણાટકમાં કોંગ્રેસને મળેલા જ્વલંત વિજય બાદ દેશભરમાં કોંગી કાર્યકરોએ જીતની ઉજવણી કરી હતી. જેમા ગુજરાતમાં પણ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો જીતના જશ્નમાં મશગુલ બન્યા હતા. જેમા અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ઝુમી જીતની ઉજવણી કરી. એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠુ કરાવ્યુ હતુ. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યુ કે કોંગ્રેસે જે કહ્યું હતું એ કરી બતાવ્યું, અન્ય રાજ્યોમાં જ્યાં અમારી સરકાર ચાલે છે ત્યાં વચનો આપી તેનું પાલન કર્યું છે. એની અસર કર્ણાટકમાં જોવા મળી. આ જીત બાદ ભાજપ (BJP)ને વિનંતી કે નફરતની રાજનીતિ છોડે.
જયારે રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. એમાં હનુમાનજીના પહેરવેશમાં આવેલા કોંગી કાર્યકરે કહ્યું- મારા નામે મત માગનારાઓને પરચો આપ્યો છે. મારા આશીર્વાદ કોંગ્રેસની સાથે છે.
દરેક જિલ્લાઓમાં અને શહેરમાં કોંગ્રેસ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી. જેમા મહીસાગર જિલ્લામાં પણ કર્ણાટકમાં મળેલી જીતની જીતની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સંતરામપુર અને લુણાવાડા શહેર ખાતે કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે.
રાજકોટ, વલસાડ અને સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો. કર્ણાટકમાં કોંગ્રેસના સારા પ્રદર્શન બદલ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે અધર્મ સામે ધર્મની જીત થઇ છે. કમિશનવાળી સરકારને લોકોએ જાકારો આવ્યો છે. તો ભાજપ નેતા રાઘવજી પટેલે કહ્યું કે હાર-જીત એ રાજકારણનો ભાગ છે.
સુરતના મક્કાઈ પુલ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલયે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાઓ ફોડીને મોઢું મીઠું કરાવીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે તો મોંઘવારી તેમજ હપ્તાખોરી બંધ થશે તેવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આશા રાખી હતી અને ભાજપની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે, ધર્મના નામે પ્રજાને ગેરમાર્ગે દોરનાર ભાજપને કર્ણાટકની જનતાએ હારનો સ્વાદ ચખાડ્યો છે.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતના વધામણાં કર્યા હતા. જીતના વધામણાંના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષી દ્વારા પણ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કર્ણાટકમાં મળેલી ભવ્ય જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા નફરત છોડો, ભારત જોડો સુત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત સહિત શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:05 am, Sun, 14 May 23