Kutch: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ યથાવત છે. નલિયામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નલિયામાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓના જ હાલ બેહાલ થયા છે.
સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નલિયામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નલિયા તાલુકામાં રોડ-રસ્તા પર તો પાણી ભરાયા જ છે, પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ બાકાત નથી રહી. સરકારી કચેરીઓમાં પાણી ભરાતા કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સબજેલ, મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન અને સેક્સન ઓફીસમાં પાણી ભરાયા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પણ પાણી ભરાતા સરકારી કચેરીમાં આવતા જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો Monsoon 2023: રાજ્યમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ Video
સરકારી કચેરીઓ ઉપરાંત નલિયાના મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે નલિયા ગામમાં આવેલા તળાવોમાં પાણીની નવી આવક શરૂ થઇ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે થોડી વાર વિરામ લેતા બજારમાં લોકોની ચહલ પહલ વધી હતી. વરસાદી પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી એકત્ર થયા છે.
કચ્છમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ભુજમાં પણ નિચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં પાણી ભરાયા છે. ભુજ જનરલ હોસ્પિટલ રોડ, જ્યુબેલી ગ્રાઉન્ડ રોડ પર પાણી ભરાયા છે. તો ભુજના પ્રમુખ સ્વામીનગર પાસેની સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કચ્છ જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નલિયામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ તો ભુજ-ગાંધીધામમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે લખપત તાલુકાના આસપાસના ગામોની જીવાદોરી સમાન ગોધાતડ ડેમ ઓવરફ્લો થયો છે. ગોધાતડ ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે.
(Input By : Jay Dave)
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:20 pm, Sun, 9 July 23