Kutch : ગુજરાતના(Gujarat)કૃષિ મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત તાલુકામાં ખેડૂતો તથા પશુપાલકોની મુલાકાત લીધી હતી. ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે.
આ કુદરતી આફતના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે મંત્રી રાઘવજી પટેલે નખત્રાણા, માંડવી, મુન્દ્રા તથા અંજાર તાલુકામા બાગાયતી પાક લેતા ખેડૂતો તેમજ પશુપાલકોને મળ્યા હતા.
મંત્રીએ ખેડૂતો તેમજ પશુપાલકો સાથે સીધો સંવાદ કરીને તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી સાથે નુકસાનગ્રસ્ત વધુમાં વધુ વૃક્ષો- છોડને પુનર્જીવત કરવા માટે પણ સરકાર પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું. તેમજ કચ્છની ખેતી તેમજ પશુપાલકોને થયેલ નુકસાનીનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય અપાય તેવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.
મંત્રીએ પ્રથમ નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના રવિલાલ તેમજ સુરેશભાઇ વાલાણીના વાડીની મુલાકાત લઈને આંબાના ઝાડને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ આ પ્રસંગે મંત્રીએ બાગાયતી પાકોમાં થયેલા નુકસાનમાં પડી ગયેલા ઝાડોને ફરી થી સજીવન કરી શકાય એમ હોય તેવા કિસ્સામાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
તેમજ ખેડૂતોને થયેલી નુકસાનીનો યોગ્ય સર્વે કરીને પૂરતું વળતર આપવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વેરસલપર ખાતે તાલુકાના ખેડૂતો સાથે મંત્રીએ સીધો સંવાદ કરીને આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે હોવાની હૈયાધારણા આપી હતી તથા ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આગોતરા આયોજન થકી ચક્રવાતમાં નજીવું નુકશાન થયું છે. ચક્રવાત બાદ જનજીવન પુનઃધબકતું કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે પશુમૃત્યુના કેસમાં પાંચ પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ખેડૂતોને થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો. મંત્રીએ ત્યારબાદ માંડવી તાલુકાના ગઢશીશાના વરઝડી વિસ્તારમાં વિશનજી પ્રેમજી ભગતની વાડીની મુલાકાત લઈને પડી ગયેલા આંબાના ઝાડને પુનર્જીવિત કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:46 pm, Fri, 23 June 23