KUTCH : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, તલ, ગુવાર અને રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થવાનો ભય

|

Aug 09, 2021 | 1:13 PM

ડેમમાંથી સિંચાઈના પાણી મળે તેવી કોઈ શક્યતા નથી. આ સ્થિતિમાં હવે ધરતીપુત્રો પાસે વરસાદની વાટ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

KAUCH : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કચ્છના ખેડૂતોની સ્થિતિ પણ અન્ય જિલ્લાના ખેડૂતો જેવી જ છે.. પહેલો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. વાવણી તો થઈ ગઈ પણ હવે પાકને જરૂર છે પાણીની. આ સ્થિતિમાં ન તો વરસાદ વરસી રહ્યો છે, ન તો ડેમમાંથી સિંચાઈના પાણી મળે તેવી કોઈ શક્યતા છે. આ સ્થિતિમાં હવે ધરતીપુત્રો પાસે વરસાદની વાટ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

પહેલો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ વાવેતર કર્યું અને હવે જ્યારે વરસાદની જરૂર છે તો વરસાદ નથી વરસી રહ્યો. ગત વર્ષ કરતા કચ્છમાં ચાલુ વર્ષે 40 ટકા જેટલુ ઓછું વાવેતર થયું છે. તો જે પિયત વિસ્તારમાં વાવેતર થયુ છે, ત્યાં પણ ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા છે.વરસાદ તો નથી વરસી રહ્યો પણ આવા વાતાવરણને કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે.ખેડૂતોને ભીતિ છે કે જો એક અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો તલ, ગુવાર અને રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થશે.

જો વરસાદ નહીં પડે તો સમગ્ર કચ્છમાં માત્ર 35 ટકા ખેત ઉત્પાદન થશે. બીજી તરફ ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણે મળે તેવા કોઈ એંધાણ નથી કારણકે કચ્છના 20 ડેમમાંથી મોટાભાગના ડેમ તળીયા ઝાટક છે. એક તરફ મોંઘવારીએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે.બીજી તરફ વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. વરસાદની વાટ જોતાની સાથે ખેડૂતો સારા ઉત્પાદનની પણ આશા રાખી રહ્યા છે. જો હાલ વરસાદ થયો તો સારો મોલ થવાની સંભાવના છે, પણ જો વરસાદ હજી ખેંચાશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે.

આ પણ વાંચો : AHMEDABAD : ઉપવાસના દિવસો શરૂ થતા જ ફળોની માગમાં વધારો થતા ભાવ ડબલ થયા, જાણો ક્યાં ફળનો કેટલો ભાવ છે

આ પણ વાંચો : JAMNAGAR : વૃદ્ધાના ગળામાંથી ધોળા દિવસે સોનાના ચેઈનની ચીલઝડપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Next Video